સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

દ્વારકા તાલુકાની આંગણવાડીના બીલ ૮ માસથી બાકી

તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશોક શ્રીમાળીએ વિવિધ સ્તરે રજુઆતો કરી પણ પરિણામ શૂન્ય

મીઠાપુર તા. ૮: દ્વારકા તાલુકામાં ૧૪૮ આંગણવાડી કાર્યરત છે. પરંતુ કાર્યકરોના છેલ્લા ૮ માસથી ફળ, પ્રાથમિક આહાર અને ગરમ નાસ્તાના બીલની ચુકવણી કરવામાં આવી નથી. જોકે દર મહીને બીલ મળી જ જવા જોઇએ છતાં પણ ૮ માસથી આ બીલ દેવામાં આવ્યા નથી. તેના કારણે આ કાર્યકરોએ પોતાના ઘરના પૈસે આંગણવાડી ચલાવવી પડી રહી છે.

આ બાબતે દ્વારકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઇ અરજણભાઇ શ્રીમાળી દ્વારા ગત નવેમ્બર માસમાં ટીડીઓ, સી. ડી. પી. ઓને મૌખિક રજૂઆત કરાયા બાદ ફરી ઇમેઇલ દ્વારા લેખિત રજૂઆત જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા પ્રોગ્રામ ઓફીસર સમક્ષ રજૂઆતો થઇ હતી. જે સંદર્ભે જીલ્લા પ્રોગ્રામ ઓફીસર દ્વારા દ્વારકા સી. ડી. પી. ઓને ઇમેઇલ દ્વારા લેખિત આદેશ આપ્યો હોવા છતાં પણ હજૂ સુધી બીલની ચુકવણી થોઇ નથી. તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવું આંગણવાડીના સૌ કાર્યકરો ઇચ્છી રહ્યા છે.

(11:54 am IST)