સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે ખેડૂતોમાં ભારે રોષ

ખંભાળિયામાં ખેડૂતોને વેચાણના નામે ધક્કા :કલેકટર કચેરીએ હલ્લાબોલ :ધ્રોલમાં રસ્તા રોકી ચક્કાજામ

દ્વારકા :રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત થઇ છે પરંતુ અનેક ખેડૂતો લાભથી વંચિત છે ખંભાલીયા તાલુકાના અનેક ખેડૂતોને મગફળી વેચાણના નામે ધક્કા ખાવાનો વારો આવતા કલેકટર કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. જ્યારે ધ્રોલ ખાતે પણ ખેડૂતોએ રસ્તા રોકી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

     દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખેડૂતોએ અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય જેને તા. થી વચ્ચે બધા ખેડૂતોની મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી છે તેમજ રજીસ્ટ્રેશન થયેલા હોય તેવા બધા ખેડૂતોને સરકાર તરફથી મેસેજ મોકલવામાં આવ્યા હતા. ખેડૂતે ક્યાં ટેકાના કેન્દ્ર પર કઈ તારીખે મગફળી લઈને જવાનું છે. તેની માહિતી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે ખેડૂત નિયમત સમય અને સ્થળ પર કેન્દ્ર ખાતે પહોંચે છે ત્યારે કેન્દ્ર બંધ હોવાની ખબર પડે છે અને ખેડૂતોને ફોગટના ફેરા થતા હોય છે.આવા અનેક કિસ્સાઓથી કંટાળી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

   ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજે અનેક ગામના ખેડૂતોએ કલેકટર કચેરીએ રોષ ઠાલવ્યો હતો અને સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં કલેકટર સમક્ષ ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ખેડૂતો ટ્રેક્ટરમાં મગફળી ભરીને કલેકટર કચેરી લાવ્યા હતા તો તે ઉપરાંત ધ્રોલ ખાતે પણ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો. જેમાં કાલાવડ તાલુકાના ૪૦૦ થી વધુ ખેડૂતોને ધ્રોલ કેન્દ્ર ખાતે મગફળી ખરીદી માટેના મેસેજ મળ્યા હતા. જોકે ધ્રોલ કેન્દ્રની કેપેસીટી કરતા વધુ ખેડૂતો એકત્ર થતા ખરીદી થઇ શકી ના હતી. જેથી ખેડૂતો વિફર્યા હતા અને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો આમ જામનગર અને દ્વારકા જીલ્લામાં મગફળી ખરીદી મામલે ખેડૂતો લડી લેવામાં મૂડમાં જણાઈ રહ્યા છે.

(9:17 am IST)