સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના શબ્દશાળા કાર્યક્રમના બીજા દિવસે વહી જ્ઞાનની સરવાણી

આધુનિક ચલચિત્રથી લઈ રાજનીતિ વિષયક જ્ઞાનસભર માહિતીનો પ્રશિક્ષણાર્થીઓએ લીધો લાભ

પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારતીય ભાષા સમિતિ (શિક્ષણ મંત્રાલય) ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે શબ્દશાળા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસના વ્યાખ્યાનોને ચાર સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા હતાં. આ જ્ઞાનસભર માહિતીનો પ્રશિક્ષણાર્થીઓએ લાભ લીધો હતો.

પ્રથમ સત્રના વ્યાખ્યાતા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના પ્રોફેસર ગોપબંધુ મિશ્રાએ રાજનીતિ સંબંધિત આધુનિક શબ્દોની ચર્ચા કરી હતી. જેમાં એમણે અંગ્રેજીભાષા તથા સંસ્કૃત ભાષામાં નૂતન શબ્દ નિર્માણ કરી ભવિષ્યના આધુનિક શબ્દોનું નિર્માણ કઈ રીતે કરવું તે વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બીજા સત્રના વ્યાખ્યાતા તરીકે ડો. ઉમા મહેશ્વરએ ભારત દેશના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત વાનગીઓના સંસ્કૃત શબ્દોનો શબ્દકોશ રજૂ કર્યો અને चिपळुणकरमहानसः youtube ચેનલના માધ્યમથી આધુનિક ખાદ્યસામગ્રી અને ખાદ્ય સાધનોના શબ્દોની સંસ્કૃત માહિતી પણ આપી હતી.

તૃતીય સત્રના વ્યાખ્યાતા તરીકે લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શિક્ષાશાસ્ત્રી વિભાગના સહાયકાચાર્ય ડો. પરમેશકુમાર શર્માએ ચિકિત્સા સંબંધિત આધુનિક શબ્દોની સંસ્કૃત માહિતી રજૂ કરી. 

દ્વિતીય દિવસના અંતિમ સત્રના વ્યાખ્યાતા તરીકે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય જયપુર પરિસરના શિક્ષણ શાસ્ત્રી વિભાગના અધ્યક્ષ પ્રો.વાઈ. એસ. રમેશ દ્વારા આધુનિક ચલચિત્ર ઉપર અતિ સુંદર શબ્દ ભંડોળ અને નૂતન શબ્દોની વ્યવસ્થા વિશે સમજાવવામાં આવ્યું હતું

(12:53 am IST)