સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th December 2018

ઉના ચેમ્બરના નવા સુકાની તરીકે ઇશ્વરલાલભાઇ જેઠવાણી

ઉના તા. ૮ :.. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિની બેઠક પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ કાળુભાઇ રાઠોડની ઉપસ્થિતીમાં તેમજ પ્રમુખ પુરૂષોતમભાઇ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

ચેમ્બરના વર્તમાન પ્રમુખ પુરૂષોતમભાઇ ઠુંમરના કાર્યકાળની મુદત પુર્ણ થતા તેમની હાજરીમાં જ નવા પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં વરિષ્ઠ વ્યાપારી અગ્રણી વિજયભાઇ કમવાણીએ નવા પ્રમુખ માટે ઇશ્વરલાલ જેઠવાણીના નામની દરખાસ્ત મૂકી હતી. જેને ઉપસ્થિત સર્વે હોદેદારો અને કારોબારીના સભ્યોએ સામુહિક અનુમોદન આપતા તેમની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

નવનિયુકત પ્રમુખ ઇશ્વરલાલ જેઠવાણી ઉના નગરપાલિકામાં સતત બે ટર્મથી અલગ-અલગ વોર્ડમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલા છે. તેઓ નગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે પણ સતત બીજી વખત નિયુકત થયા છે. અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના રાષ્ટ્રીય ઉપપ્રમુખ, ઉના પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના ડીરેકટર, ઉના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ, ઉના સિંધી સમાજના પ્રમુખ, ઉના રેડક્રોસ સોસાયટીના મંત્રી સહિતના વિવિધ પદો પર પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખો વિજયભાઇ જોષી, શાંતિલાલ ડાંગોદરા, હાજી ઇલ્યાસભાઇ વોરા, મહામંત્રીઓ મિતેષભાઇ શાહ, તરૂણભાઇ ટિલવાણી, મનોજભાઇ વાયા, મંત્રીઓ હરકિશનભાઇ શાહ, ધર્મેન્દ્રભાઇ શાહ, મનુભાઇ બારડ, ભુપેન્દ્રભાઇ કનાડા, જયેશભાઇ ચુડાસમા, ખજાનચી જસ્મીનભાઇ શાહ, સહખજાનચી શૈલેષભાઇ છગ, ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ અબ્બાસભાઇ સુમરાણી, સંગઠન મંત્રીઓ, પપુભાઇ, સોમજાણી, રાજુભાઇ આસવાણી, ખજાનચી સંજયભાઇ મીસ્ત્રી સહિતના વેપારી આગેવાનો હાજર રહ્યા હતાં. (પ-૧ર)

(11:51 am IST)