સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th October 2021

જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળતા ડો. એન.કે.ગોંટીયા

જૂનાગઢ તા. ૮ : કૃષિ યુનિ.ના કુલપતિ તરીકેનો ચાર્જ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ અને ડીન ડો. નરેન્દ્રકુમાર ગોંટીયાએ સંભાળ્યો છે. છેલ્લા ૩૮ વર્ષથી ગુજરાતમાં જુદા જુદા પદ પર કામ કરી ખેડૂતો અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ અને સંશોધન કાર્ય કરેલ છે. નવા-નવા સંશોધનમાં રસ લઇ યુનિવર્સીટીને ઉચા આયામ ઉપર લઇ જવામાં તેમની મહત્વની ભૂમિકા છે. તેમણે એન્જીનરિંગ વિભાગમાં ખેડૂત ઉપયોગી સાધનો બનાવી ખેતી ખર્ચ ઘટાડવામાં ભૂમિકા ભજવી છે. 

તેમની શૈક્ષણિક લાયકાત બી.ટેક. (એગ્રી. એન્જી), જે.એન.કે.વી.વી., જબલપુર એમ.ટેક.એગ્રી. એન્જી (એસડબલ્યુસીઇ), આઇ.આઇ.ટી., ખડગપુર પીએચ.ડી.એગ્રી. એન્જી (એસડબલ્યુસીઇ), આઇ. આઇ. ટી., ખડગપુર, પીએચ.ડીમાં રાષ્ટ્રીય સ્તરના પીજી સંશોધન(૨૦૦૭) માટે આઇ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા જવાહરલાલ નેહરૂ એવોર્ડ તેમજ અન્ય ૯ રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળેલ છે. તેઓ છેલ્લા ૩૮ વર્ષથી ગુજરાતમાં જુદા જુદા પદ પર કામ કરી જેવા કે, સોઇલ કન્ઝર્વેશન ઓફિસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, પ્રોફેસર અને હેડ ૪ વર્ષ અને છેલ્લા ૯ વર્ષથી ડીનની જગ્યા પર, ખેડૂતો અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ અને સંશોધન કાર્ય કરેલ છે.

કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયના ડીન તરીકે કાર્ય કરી શિક્ષણના ધારા ધોરણોનો વિકાસ કરી કોલેજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવામાં મદદરૂપ થયેલ છે. તેમણે ૧૧ સંશોધન યોજનાઓમાં પીઆઇ/કો-પીઆઇ તરીકેની કામગીરી કરેલ છે. આ યોજનાઓના સંશોધનના પરિણામોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અને સિધ્ધી આપવામાં સિંહ ફાળો આપેલ છે.  તેમણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તર પર કુલ ૧૧૮ સંશોધન પત્રો, પુસ્તકો, લોકપ્રિય લેખો, ખેડૂત અને વૈજ્ઞાનિક ભલામણો અને માર્યદર્શિકાઓ લખી અને પ્રસ્તુત કરેલ છે. અન્ય સિધ્ધીઓમાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખેતીમાં પાણીનું પ્રબંધન, યાંત્રિકકરણ, ખાદ્ય પદાર્થોની પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનમાં સઘન સહકારથી સૌરાષ્ટ્રમાં ચાર ગ્રામિણ એગ્રો પ્રોસેસિંગ સેન્ટરો શરૂ કરાવ્યા. ભૂગર્ભજળ રિચાર્જની પ્રશંસનીય કામગીરી કરેલ છે. સિંચાઇમાં માઇક્રો સિંચાઇના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ખેતીમાં રીમોટ સેન્સિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટીકસ, ડ્રોન્સ એ સેન્સર્સ સહિતના ઉપયોગ માટે કોલેજમાં વિશ્વ સ્તરની લેબોરેટરી બનાવી માળખાકીય વિકાસ કર્યો. ઉપરોકત પ્રશંસનીય યોગદાન બદલ કુલ ૧૦ રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.

(1:20 pm IST)