સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ભાવનગરનાં ભંડારીયામાં બિરાજમાન શ્રીમાળનાથ મહાદેવનો મહિમા

ભાવનગર શહેરથી ૨૬ કીમી દૂર ભંડારીયાની ગીરીકંદરામાં નૈસર્ગિક, રમણીય અને નયન રમ્ય શ્રી માળનાથ ધામ આવેલુ છે. અસંખ્ય યાત્રાળુઓના શ્રધ્ધાનું સ્થાનક સમા શ્રી માળનાથ મહાદેવની આશરે ૬૫૦ વર્ષ (ઇ.સ.૧૩૫૪) પૂર્વે નગરશેઠ વણિક સદગૃહસ્થ દ્વારા સ્થાપના કરવામાં આવી.

શ્રાવણ માસએ શિવભકિતની આરાધના સેવા પૂજન કરવાનો મહિનો ગણાતો હોઇ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન શિવભકતો, શિવને રીજવવા પ્રયત્ન કરવા અનેક વિધપ્રકારની ભકિત આરાધના કરતા હોય છે. ભકત આ મહિનામાં એકટાણું રાખી મૌનવ્રત રાખી કે પછી સંપૂર્ણ મહિનો એટલે કે બંને ટાઇમ ભૂખ્યા રહી ફકત ફ્રુટ કે અન્ય ફરાળી વસ્તુ આરોગી બાકી રહેતો સમય શિવજીની ભકિત આરાધના કરવામાં વિતાવતા હોય છે.

શ્રાવણ માસમાં જયાં જયાં શિવાલય કે શંકરના મંદિર આવેલ છે. ત્યા આ માસમાં ભારે ભીડ જોવા મળે છે. શિવભકિતો આમ તો દરરોજની ક્રિયા મુજબ આવા શિવમંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. પણ શ્રાવણ મહિનામાં શિવભકિતનું અનેરૂ મહત્વ હોઇ શિવભકતો તથા હિન્દુ ભકતો દૂર દૂર આવેલ શિવમંદિરના દર્શને જતા હોય છે.

આવા શિવમંદિર રૂપી અનેરૂ શિવમંદિર કે શિવાલય એટલે કે, ગીરકંદરાના નૈસર્ગિક રમણીય અને નયનરમ્ય ડુંગરની ઉપર આવેલ તીર્થધામરૂપી શિવમંદિર એટલે માળનાથ મહાદેવનું મંદિર. જે અસંખ્ય યાત્રાળુઓના શ્રધ્ધાનું સ્થાનક સમા શ્રી માળનાથ મહાદેવની સ્થાપના આજથી લગભગ ૬૫૦ વર્ષ પૂર્વે (ઇ.સ.૧૩૫૪)ની સાલમાં નગરશેઠ વણિક સદગૃહસ્થે આ શિવમંદિરમાં ચમત્કારીક શકિત જોતા સ્થાપના કરેલ છે. માળનાથ મંદિરના ભકત અને સ્થાપક પોતે એ સમયમાં ગૌમાતા પ્રત્યેના પ્રેમ અને ભકિતભાવના લીધે ગાયો પાળી તેની માવજત કરતા. જેના દૂધ દહી સાધુ સંતોને જમાડી ભકિતનો આનંદ મેળવતા. આ ગાયોમાં એક વિશિષ્ટ ગાય માતા સુરભી નામની ગાય નિત્ય સમુદ્રમાં સ્નાન કરી તરીને સામે કાંઠે આવેલા ભંડારીયામાં ડુંગરમાં ચરવા જતી. આ વિચિત્ર નવાઇ પમાડે તેવી ઘટનાનું સાચુ કારણ જાણવા માટે એક દિવસ ગરીબ ગોવાળ આ સુરભી ગાયની પુંછ થોભી ગાયની સાથે ભંડારીયાના ડુંગર સુધી જતા ગોવાળે એક વિચિત્ર ઘટના નજરે નિહાળી જે ઘટના સુરભી ગાય ડુંગર પર આવેલ રાફડા પર પોતાના દુધની ધાર વહેવડાવી અભિષેક કરતી જોવા મળી. આ ઘટનાથી વાકેફ થવા ગોવાળે સામેથી આવતી એક સૌભાગ્યવતી નારી પાસેથી વિગત જાણવા આજીજી કરી તો આ સૌભાગ્યવતી નારી પાસેથી જાણવા મળ્યુ કે આ જગ્યા વિરાકુબાના નામથી ઓળખાય છે. આ વિરાકુબાના નામની જાણ નગરશેઠને થતા. નગરશેઠ સૌ ગ્રામજનો અને ગોવાળ સાથે જઇ આ જગ્યાનું ખોદકામ કરતા દુધધારા કરતી જગ્યાએથી રાફડામાંથી નાગદાદા નીકળ્યા વધારે ઉંડુ ખોદવાથી ત્રણ શિવાલય મળી આવ્યા. આ પુજાયેલ શિવબાણની વણિક શેઠની ઇચ્છાથી આ જગ્યા મળીએ ઉપરથી માળનાથ મહાદેવ નામ ધારણ કરવામાં આવ્યુ અને આ જગ્યાએ ખૂબ જ મહેનત કરી સુશોભિત શિવ મંદિર માળનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી.

ઉપરોકત મંદિરની સ્થાપના બાદ ધીરે ધીરે મંદિર જીર્ણ થતા સંવત ૧૯૪૩ના આસો સુદ - ૧૦ વિજયાદશમીને સોમવારના રોજ ભાવનગરના મહારાજા નામદાર તખ્તસિંહજી સાહેબ દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ. ત્યારબાદ નિત્યદર્શને આવતા શિવભકતો દ્વારા માળનાથગ્રુપની સ્થાપના કરી. માળનાથ ધામનો વિકાસ કરવા તા.૧૯-૧-૧૯૯૨ના રોજ આ ગ્રુપ અસ્તિત્વમાં લાગી હર હંમેશ તમામ પ્રકારના વિકાસ માટે આ ગ્રુપ આજદિન સુધી પ્રયત્ન કરી માળનાથને એક તીર્થધામ બનાવવામાં અથાગ પ્રયત્નો કરી અંતે વિકાસ કર્યો.

માળનાથ ધામ ખાતે ચાલતી વિવિધ પ્રવૃતિ ચણદાન મહાયજ્ઞ, દિપમાળા તથા માળનાથદાદાને થાળ ધરવા તથા મંદિર વિશેની જાણકારી માટે હરિભાઇ શાહ મો. ૯૮૭૯૦ ૯૨૫૬૬, ૯૮૨૪૨ ૨૧૭૧૫ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(12:22 pm IST)