સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

કચ્છમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા અછતની કપરી પરિસ્થિતિ

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા પૂર્વ રાજય મંત્રી તારાચંદ છેડા

ભુજ, તા.૮: કચ્છ મા લાંબા સમય થી ખેંચાયેલા વરસાદ ને પગલે અછતની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે કચ્છ ના પશુધન ની કપરી હાલત સંદર્ભે કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજય મંત્રી તારાચંદભાઈ છેડાએ રાજય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો છે. વર્તમાન પરિસ્થિતિનું સાચું ચિત્ર રાજય સરકાર સમક્ષ રજૂ કરીને તારાચંદભાઈ એ મુખ્યમંત્રી વિજયભાઈ સમક્ષ કચ્છના પશુધન અંગે ઊંડી ચિંતા વ્યકત કરી છે.

ભાજપ ના વરિષ્ઠ નેતા ના પત્ર મા શું છે ?

કચ્છ મા પશુધનની કપરી પરિસ્થિતિ નું વર્ણન કરતા તારાચંદભાઈ છેડાએ લખપત, અબડાસા મા તાત્કાલિક ઢોરવાડા શરૂ કરવાની માંગણી કરી છે. આ માટે તાત્કાલિક પરિપત્ર બહાર પાડવા તેમણે સરકારને રજુઆત કરી છે. તો, મુંદરા તાલુકામા ૧.૪૦ મીમી જ વરસાદ પડ્યો છે. એટલે તંત્રએ ઘાસકાર્ડ આપવાનું બંધ કર્યું છે. ખરેખર ઘાસ પૈસા આપતા પણ મળતું નથી. એવી જ ખરાબ અને કફોડી હાલત કચ્છની ગૌશાળા પાંજરાપોળો ની હોઈ તેમના માટે તાત્કાલિક સબસીડી જાહેર કરવા તેમણે માગણી કરી છે. કચ્છમા અત્યારે રૂપિયા આપતા પણ ઘાસ મળતું નથી એટલે સરકાર દ્વારા કચ્છ જિલ્લા માં તાત્કાલિક વ્યવસ્થા નહીં કરાય તો કચ્છનું પશુધન હવે નહી બચે તેવી ઊંડી ચિંતા તેમણે વ્યકત કરી છે. આ સાથે તેમણે પાણી ની ચિંતા વ્યકત કરી ઘાસ સાથે પાણી ની વ્યવસ્થા કરવાની માંગણી પણ કરી છે. તારાચંદભાઈ જીવદયા ક્ષેત્રે દ્યણા વર્ષો થી સંકળાયેલા છે એટલે તેમણે કચ્છ ના પશુધન ની વર્તમાન પરિસ્થિતિનો આપેલ ચિતાર ગંભીર કહી શકાય તેવો છે. કચ્છ જિલ્લા ના ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકો અને પશુમાલિકો પણ ઘાસચારા માટે લાંબા સમય થી ઉગ્ર રજુઆત કરી રહ્યા છે. ખુદ વહીવટીતંત્ર પણ માને છે કે ઘાસચારાની પરિસ્થિતિ કપરી છે. ત્યારે કચ્છ ભાજપ ના વરિષ્ઠ સેવાભાવી નેતા તારાચંદભાઈ છેડાની રજુઆત ને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગંભીરતા થી લઈ ને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.(૨૨.૪)

 

(12:22 pm IST)