સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th August 2019

ઉના પંથકમાં સાસુની હત્યા અને પત્નિ ઉપરના ખૂની હુમલા કેસમાં જમાઇ-પતિને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

કોર્ટે આરોપીને સજા ફટકારતા પોલીસે આરોપીની કસ્ટડી લઇ લીધી હતી અને બાદ તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો.

ઉના, તા. ૮ : ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે સાસુના ખુન તથા પત્ની ઉપર ગંભીર હુમલાના ગુનામાં અપંગ જમાઇ પતિને ૧૦ વરસની સખત કેદની સજા તથા ૧૦ હજાર રૂપિયાના દંડની સજા ઉનાની એડીશનર સેશન્સ કોર્ટ ફટકારી હતી.

ઉના તાલુકાના મૂળ કાળા પાણ ગામના હાલ દાંડી રહેતા નાનુભાઇ વિજાણંદભાઇ વાજા ઉ.વ.૪ર પોરબંદર બોટમાં ખલાસી (રસોયા) તરીકે કામ કરતો હતો તેના લગ્ન ૯ વરસ પહેલા લક્ષ્મીબેન સાથે થયેલ હતાં. લગ્ન સમય દરમ્યાન બે બાળકો થયેલ તે ગુજરી ગયા હતાં. નાનુભાઇને પત્ની લક્ષ્મીબેન સાથે અણબનાવ બનતા પીયર સૈયદ રાજપરા ગામે માતા રાધીબેન સાથે રહેતી હતી. ગત ૧૯-૧૧-ર૦૧૪ના રોજ નાનુભાઇ વિજાણંદભાઇ બે પગે પોલીયો હોય અપંગ હતાં તે પત્નીને તેડવા ગયેલ દાંડી ગામે આવવા સમજાવતા લક્ષ્મીબેને આવવાની ના પાડેલ ઝગડો થતા દિવાલની વંડી ઉપર રહેલ પથ્થરના બેલાથી માર મારવા જતા વચ્ચે સાસુ રાધીબેન વચ્ચે પડતા માથામાં વાગી જતા સ્થળ ઉપર મોત થયું હતું અને લક્ષ્મીબેન ચાલવાની લોખંડની ઘોડી વડે ડાબા કાન, ડાબા હાથમાં મારતા લોહી લુહાણ હાલતમાં પડી ગયા હતાં. રાડારાડી કરતા પતિ ભાગી ગયેલ હતો. દવાખાને સારવાર માટે ખસેડેલ હતાં અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પતિ સામે માતાનું ખુન તથા પોતાના ઉપર ગંભીર હુમલાની ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. ડી.જે. ઝાલાએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને કેસની ચાર્જસીટ કોર્ટમાં ફાઇલ કરી હતી. બનાવ વખતે મહિલા સર્ગભા હતી.

આ કેસ ઉનામાં આવેલ એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલતા ફરીયાદ તરફે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે દલીલો, દસ્તાવેજી પુરાવા, પોલીસ અધિકારીની જુબાની, ફરીયાદીની જુબાની તથા એફ.એસ.એલ. રીપોર્ટ રજૂ કરી આકરામાં આકરી સજા કરવા માંગણી કરી હતી.

ઉનાના એડીશનલ સેસન્સ કોર્ટના જજશ્રી એસ.એલ. ઠાકરે આરોપી નાનુ વિજાણંદ સામે ગુનો સાબીત માની તસ્કીરવાન ઠરાવી આઇ.પી.સી. ૩૦૪(ર)ના ગુનામાં ૧૦ વરસની સખત કેદની સજા તથા રૂ. પ૦૦૦ દંડ તથા આઇબી ૯, ૩રપમાં ૭ વરસની સખત કેદની સજા તથા રૂ. પ૦૦૦ દંડ સજા એકીસાથે ભોગવવાની રહેશે અને દંડની રકમ આરોપી ભરે તેમાંથી રૂ. ૪૦૦૦નું વળતર ફરીયાદી લક્ષ્મીબેનને આપવું તેમજ મહિલાએ એક બાળકનો જન્મ આપેલ હોય તેના વળતર માટે જીલ્લા કાનુની સેવાને ઉના કોર્ટ ભલામણ કરેલ છે. આમ ઉનાની કોર્ટ૪ વરસ ૯ મહિનામાં ઝડપી ચુકાદો આપેલ છે. આ કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપીને જામીન મળેલ હતા નહીં અને અન્ડર ટ્રાયલ કેસ ચાલ્યો હતો.

(12:04 pm IST)