સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

ગીર-સોમનાથ જિલ્લામાં આધાર કાર્ડની સુવિધા અમુક બેંકો દ્વારા જ અપાય છે

સુત્રાપાડા તાલુકાના લોકોને આધાર કાર્ડ માટે વેરાવળ જવું પડે છે!!

પ્રભાસ પાટણ તા.૮: ગીર-સોમનાથ જિલ્લામાં જે સરકારી સ્થળો તેમજ રાષ્ટ્રીયકૃત બેંક તથા પ્રાઇવેટ બેંકોને સરકારના આદેશ અનુસાર આધાર કાર્ડને લગતી તમામ સેવાઓ આપવા સુચના આપવામાં આવેલ છે. છતાં અમુક બેંકો જ આ સેવાઓ આપે છે. બાકીની બેંકો લોકોને આ સેવાઓ આપતી નથી.

ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના, ગીર ગઢડા જેવા તાલુકા મથકો આવેલા છે. અને વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં લોકો આધાર કાર્ડ માટે વેરાવળ આવવું પડે છે. પરંતુ વેરાવળમાં પોસ્ટ ઓફીસ, દેના બેંક, સીન્ડીકેટ બેંક, વિજયા બેંક અને સોૈરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં જ આધાર કાર્ડની સેવાાઓ આપવામાં આવે છે.

જયારે એચ.ડી.એફ.સી. બેંક તેમજ બેંક ઓફ બરોડા અને તાલુકા પંચાયત વેરાવળમાં બધી સુવિધા હોવા છતાં તેઓ આધાર કાર્ડ કાઢતા નથી અને બેદરકારી જોવા મળે છે.

અત્યારે આધારકાર્ડ માટે ગ્રામ્ય વિસ્તારનાં લોકો પોતાની મજુરીકામ બંધ રાખીને બેથી ત્રણ ધક્કાઓ ખાય છે. તેમજ બાળકો પોતાનો અભ્યાસ બંધ રાખીને આવે છે તેમજ સીનીયર સીટીઝન, સગર્ભા બહેનો પણ લાઇનમાં ઉભી રહે છે. છતાં વારા આવતા નથી તો જે બેંકો આધાર કાર્ડ કાઢતી નથી તેના ઉપર પગલા ભરી અને તાત્કાલિક આધાર કાર્ડ કાઢે જેથી લોકોને હેરાનગતિ ન થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.

(12:10 pm IST)