સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

હાર્દિક પટેલની વિજય સંકલ્પ યાત્રામા જનમેદની જોડાઇ

મોટા દડવાથી પ્રારંભઃ ૭૦ કાર, ૨૦ ઘોડા, ડીજેના તાલઃ કાલે સવારે દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ

હાર્દિક પટેલની વિજય સંકલ્પ યાત્રામા જનમેદની જોડાઇઃ આટકોટઃ જસદણના મોટા દડવાથી આજે ''પાસ''ના કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો હાર્દિક પટેલનુ બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યુ હતું. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

રાજકોટ, તા. ૮ :. પાટીદાર સમાજને અનામત આપવાની અને ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનના ભાગરૂપે આજે બુધવારે મોટા દડવાથી 'પાસ'ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની આગેવાનીમાં વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે જેમાં જનમેદની ઉમટી છે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, આજે બુધવારે સવારે ૭.૩૦ વાગ્યે જસદણ તાલુકાના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયા છે. આ યાત્રા મોટા દડવાથી ઈશ્વરીયા, કાનપર, સાણથલી, વાંસાવડ, દેરડી-કુંભાજી, સુલતાનપુર, અમરનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોલકી, પાનેલી, સિદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, જામનગર, જામખંભાળીયા થઈને  આજે રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ દ્વારકા પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ કરીશું.

 કાલે તા. ૯ને ગુરૂવારે સવારે ૮.૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરે સત્યની લડાઈમાં વિજય થઈએ તેની આસ્થા સાથે ધ્વજા ચડાવવામાં આવશે.

હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, ઉદ્યોગપતિઓનું જો દેવુ માફી થઈ શકતુ હોય તો ખેડૂતોનું દેવુ માફી કેમ ન થઈ શકે ? આ માટે વિજય સંકલ્પ યાત્રાનું એક દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.

જસદણનો અહેવાલ

 જસદણઃ મોટા દડવાથી દ્વારકા સુધીની વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયા તે પૂર્વે પાસના આ યુવા નેતા હાર્દિક પટેલનું અભુત પૂર્વ અને ઔતિહાસિક સન્માન થયું હતું સવારે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં આટકોટ, ઇશ્વરીયા, કાનપર ખારચીયા હનુમાન,રામોદ,ઘોઘાવદર સાણથી,જેવા અનેક ગામોના પાસના કાર્યકરો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

ખાસ કરીને યુવા પાસના કાર્યકરોએ હાર્દિક પટેલ સાથે ફોટો પડાવવા અને હાથ મિલાવવા માટે પડાપડી કરી હતી. રાજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ વિજય સંકલ્પયાત્રા આજે બુધવારે સાંજે સુધીમાં મોટા દડવાથી દ્વારકા સુધીમાં ત્રણ જિલ્લા અને ૧૪ તાલુકાના અંદાજે ૯૦ ગામોથી પસાર થઇ રાત્રિના દ્વારકા મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે.

હાર્દિક પટેલ ૨૫ ઓગષ્ટથી ઓબીસી અનામતની માંગ લઇને આમરણાંત ઉપવાસ કરવાના છે ત્યારે અમદાવાદમાં ગુજરાતના ગામેગામથી હજારો લોક આ આંદોલનમાં જોડાશે પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ જે કામ કરી રહ્યા છે. એ આવનારી પેઢી માટે છે. સરકાર કિન્નાખોરી દાખવી અલગ-અલગ કેસોમાં હાર્દિકને ફસાવી રહી છે. પણ સત્યનો વિજય થશે. આજે જસદણ તાલુકાના ઇશ્વરીયા, કાનપર, સાણથલી ગામે ટુંકુ રોકાણ કર્યુ હતું.

જેમાં આ યાત્રાને પ્રતિસાદ સાંપડયો હતો. પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે જસદણ તાલુકા પંચાયતની પોણા ત્રણ વર્ષ પહેલા ચૂંટણી હતી. જેમાં હાર્દિકભાઇના કારણે કોંગ્રેસને બહુમતી મળેલ હતી. આ ચૂંટણીમાં ભાજપના ફકત ત્રણ સભ્યો જ ચૂંટાયા હતાં.

જામજોધપુર

જામજોધપુર : આ યાત્રાનું સાંજે જામજોધપુરમાં આગમન થશે અને હાર્દિક પટેલ, પટેલ સમાજ મુકામે પાટીદારભાઇઓ  બહેનને મળશે અને લોકો સાથે સંવાદ કરશે તેમજ આ સાથે પાટીદાર ભાઇઓ-બહેનો દ્વારા પ-૪પ  શહેરમાં મુખ્યમાર્ગો પર નીકળયા આમ હાર્દિક પટેલ આજે જામજોધપુર શહેરમાં આવવાનો હોય જેનને લઇને સરકારી તંત્ર પોલીસ ડીપાર્ટમેન્ટ ગુપ્તચર તંત્ર સાબદુ થઇ ગયુ છે અને આ યાત્રાની દરેક ચહલ પહલ પર નજરના મંડાણ માંડી દીધા છે. જામજોધપુર બાદ આ યાત્રા ભાણવડના વેરાડ ગામે થઇ લાલપુર જશે.

(12:01 pm IST)