સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th July 2019

પોરબંદર સહકારી ડેરીના મુદ્દે ગૃહમાં હોબાળો

મોટો ભ્રષ્ટાચાર થયાનો અમિત ચાવડાનો આક્ષેપઃ સ્પીકરે પૂંજાભાઇનું માઇક બંધ કરવા સુચના આપી

ગાંધીનગર તા. ૮ :.. પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ઓડીટ અહેવાલ અંગે ચિરાગભઇ કાલરીયાના પ્રશ્નના ઉતરમાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ સંઘ લિ.ના ઓડીટ અહેવાલ મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ અમદાવાદને તા. રપ-૩-૧૮ ના રોજ મળેલ. તે ઓડીટ અહેવાલના સામાન્ય શેર ભાગ-૩ મુજબ કુલ પર પાસાઓ દર્શાવેલ અને કામધેનુ એન્ટરપ્રાઇઝ નામની ખાનગી સંસ્થાને રૂ.  ૧ર કરોડ આપેલ તે હકિકત તા. ૩૧-પ-૧૯ ની સ્થિતીએ સાચી છે.

આ જવાબથી સંતોષ ન થતા કોંગ્રેસના પુંજાભાઇ વંશ દ્વારા ભારે આકરા પ્રહારો કરી બોલતા જણાવ્યુ કે આ માટે કોઇ મંજૂરી લીધી કે નહિ તેમ પુછતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આમા કોઇ મંજૂરી લેવામાં આવતી નથી.

આ તબકકે વિરોધ પક્ષના અમિત ચાવડાએ કરોડોના ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. તેમ કહેતા સત્તાધારી પક્ષના સભ્યો અને વિરોધ પક્ષના સભ્યોમાં સામ સામે હો-હા દેકારો મચી જવામાં આવ્યો હતો.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ તબકકે પુંજાભાઇ વંશ ઉપર ભારે કડક વલણ અપનાવ્યુ હતું અને એક  તબકકે પુંજાભાઇ વંશનું માઇક બંધ કરવાની સુચના જાહેર કરી હતી. આમ આ  પ્રશ્ને ભારે ચર્ચા- કરવામાં આવી હતી અને પરીણામે અધ્યક્ષે આ પ્રશ્ને હવે કોઇ પણ સભ્યએ બોલવાનું નથી. તેમ જણાવ્યું હતું. (પ-ર૯)

(3:49 pm IST)