સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

વિજયભાઇ સોમવારે વેરાવળમાં: અટલ સ્પોટર્સ સંકુલનું લોકાર્પણઃ ખારવા સમાજ આયોજીત સમુહલગ્નમાં ઉપસ્થિતિ

વેરાવળ, તા.૮: વેરાવળનાં વિદ્યુતનગર બસસ્ટેન્ડ પાસે રૂ.૪.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૧૦ જૂનનાં રોજ લોકાર્પણ કરશે.

ગીર-સોમનાથી જિલ્લામાં પહેલું અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવેલું છે. લોકોને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળવાની સાથે લોકોની સુવિધામાં પણ વધારો થયો છે.

સ્વીમીંગ પુલ સહિત ૬ જેટલી સુવિધાઓ નજીવી ફીના ધોરણે આપવામાં આવશે.

આ કોમ્પલેક્ષમાં સ્વીમીંગ પુલ, બેડમીન્ટન કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, જીમ અને યોગા તેમજ ઇન્ડોર ગેમ્સની સુવિધા ઉપલબ્ધ છે.

વેરાવળમાં તા.૧૦ને સોમવારે, મેમણ જમાતના ડેલામાં સમસ્ત ખારવા સમાજ-સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા નવમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના ૪૭ નવયુગલો પ્રભુતામાં પગલા પાડી નવજીવનની શરૂઆત કરશે. સમસ્ત ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ સમૂહ લગ્નમાં આર્શીવચન પાઠવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત કથાકાર ડો. મહાદેવપ્રસાદ, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા ઉપસ્થિત રહેશે.

ખારવા સમાજના સમૂહલગ્નની વિશેષતા એ છે કે, આ શુભ પ્રસંગમાં સમાજના તમામ નાના-મોટા લોકો અમીર, ગરીબના ભેદભાવથી દૂર રહી ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ પ્રસંગને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો, યુવાનો, નગરસેવકો, બહેનો, ભાઇઓ, હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:38 pm IST)