સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

ગોંડલના વાછરા ગામના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર

ગંગાબેન સોલંકી સામે ૭ સભ્યોનું મતદાન : સરપંચનો તબિયત નાદુરસ્ત હોવાનો રીપોર્ટ મોકલ્યો

ગોંડલ તા ૮  : તાલુકાના વાછરા ગામના સરપંચ વિરૂધ્ધ છેલ્લા ઘણા સમયથી ચુંટાયેલા સભ્યો સાથે સુમેળ ન કરી શકતા અવિશ્વાસની દરખાસ્ત સુધી વાત પહોંચી જવા પામી હતી, જેમને લઇને ઉપસરપંચ સહીત સાત સભ્યોએ સરપંચ દ્વારા મીટીંગ ન બોલાવતા તાલુકા વિકાસ અધિકારીને એજન્ડા નોટીસ નંબર થી નકકી થયા મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે નિર્ણય કરવા જણાવ્યું હતું.

વાછરા ગ્રામ પંચાયત કચેરી ખાતે તા ૭ ને શુક્રવારે સવારે ૧૧ કલાકે મીટીંગ બોલાવવા એજન્ડા બહાર પાડીને તમામને નોટીસ દ્વારા જાણ કરવામાં આવેલ હતી. પંચાયત અધિનીયમ કલમ ૫૬ની જોગવાઇ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે ર/૩ બહુમતી જરૂરી હોય, જે સરંપચ ગંગાબેન મુળજીભાઇ સોલંકી પાસે ન હોવાથી તેમને તલાટી મંત્રીને પોતાની ના દુરસ્ત તબિયત હોવાને કારણે મીટીંગમાં આવી શકશે નહીં તેવો રીપોર્ટ મોકલેલ હતો, મીટીંગમાં બહુમતીથી પણ વધુ સંખ્યામાં હાજર હોઇ  ઉપસરપંચના અધ્યક્ષ સ્થાને અધિકારી અને ઇ.ચા. વિસ્તરણ અધિકારી પંચાયતની હાજરીમાં વાંધા વચકા વંચાણે લઇને સરપંચ વિરૂધ્ધ સાત મત પડતા બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો હતો. સરપંચ વિરૂધ્ધમાં મુકેશ ખુંટ, ધીરૂ વસાણી, શૈલષ ખુંટ, ભરત સાકરીયા, હંસાબેન સોલંકી, પિન્ટુ રૈયાણી, સોનલબેન ચોથાણી, એ મતદાન કરેલ હતું, જયારે સરપંચની તરફેણમાં બેબીબેન ભુંડીયા એ મતદાન કરેલ, આમ રજુ થયેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં ૦૭ વિરૂધ્ધ ૦૧ મતથી ર/૩ બહુમતીથી પસાર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

(11:32 am IST)