સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

કોટડાસાંગાણીમાં મોહનભાઇ કુંડારિયાનું સાંસદ જુની પરંપરાગત પાઘડી પહેરાવી સન્માન કરાયુઃ બાયપાસ મળે તેવી આશા બંધાણી

કોટડાસાંગાણી, તા.૮: રાજકોટ લોકસભા બેઠક પરથી સતત બીજી ટર્મમા જંગીમતોથી લીડ મેળવી ભાજપમાંથી વિજેતા થયેલા મોહનભાઈ કુંડારીયાનો સન્માન સમારોહ કોટડાસાંગાણી ખાતે યોજાયો હતો. જયા બેતાલીશ ગામના આગેવાનોએ તેમનુ સન્માન કર્યું હતું.

રાજકોટ સીટ પરથી ૩૬૦૦૦૦ જેટલા જંગી લીડથી લોકસભાની ચુંટણીમા વીજય મેળવનાર મોહનભાઈ કુંડારીયાનો સન્માન સમારોહ કોટડાસાંગાણીના દત્ત મંદિરે યોજાયો હતો. જયા સાંસદનુ કોટડાસાંગાણી તાલુકાના બેતાલીશ ગામના આગેવાનોએ જુની પરંપરાગત પાઘડી પહેરાવી શાલ ઓઢાડિ સન્માન કરાયુ હતુ. સાંસદ કુંડારીયાએ આ તાલુકામાથી ઐતિહાસિક પાંચ હજારથી વધુ મતોની લીડ આપનાર મતદારોનો આભાર વ્યકત કર્યો હતો. અને કોટડાસાંગાણીના પ્રાણ પ્રશ્ન એવા બાયપાસ રોડ અને નર્મદાના પાણી મુદ્દે પણ પોતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને આ પ્રશ્નનુ નીરાકરણ કરી આપવાની ખાત્રી આપી હતી.

આમ તો આ તાલુકો પહેલેથીજ કોંગ્રેસ તરફી મતદાન કરતો હતો. જેના કારણે કોટડાસાંગાણી કોંગ્રેસના ગઢ તરીકે ઓળખવામાં આવતો પરંતુ ગત લોકસભાની ચુંટણીમા આ તાલુકામાથી પાંચ હજાર મતથી વધુની લીડ ભાજપને મળતા ભાજપે કોંગ્રેસના ગઢને તોડી પાડવાની ખુશી વ્યકત કરી પોતે નવો ગઢ બનાવ્યાનુ અને હવે કોટડાસાંગાણી તાલુકો વીકાસના માર્ગે આગળ વધી રહ્યા હોવાનુ ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ માની રહ્યા છે. અને જીલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત વેરાવળના કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો ભાજપના સંપર્કમાં હોવાથી તેઓ ટુંક સમયમા કેસરીયો ધારણ કરશેનો પ્રમુખ દાવો કરી રહ્યા છે.

(11:31 am IST)