સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

માળીયા હાટીનાના ગોતાણા ગામના વણકર યુવાનનોે બેકારીથી કંટાળી આપઘાતઃ પિતાનો જુદો જ આક્ષેપ

પરમ દિવસે નજીકના શેરીયાખાણની નદી પાસેથી ઝેર પીધેલી હાલતમાં મળ્યો'તોઃ રાજકોટમાં દમ તોડ્યો : પિતા પરબતભાઇએ કહ્યું-અમારે જેની સાથે મનદુઃખ છે એ લોકો ઝેર પાઇ દીધાની શંકા : રોહિતનો નિષ્પ્રાણ દેહ અને વિગતો જણાવતાં પરિવારજનો

રાજકોટ તા. ૮: માળીયા હાટીના તાબેના ગોતાણા ગામે રહેતો રોહિત પરબતભાઇ મકવાણા (ઉ.૨૨) નામનો વણકર યુવાન પરમ દિવસે ઘરનાને જમવાનું બનાવી રાખજો, હમણા આવું છું તેમ કહીને નીકળ્યા બાદ નજીકના શેરીયાખાણ ગામની નદી પાસેથી ઝેર પીધેલી હાલતમાં મળતાં માળીયા સરકારી દવાખાને, ત્યાંથી કેશોદ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે તેનું મોત નિપજ્યું છે. પિતા અને પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે રોહિતને ઝેર પીવું પડે તેવું કોઇ કારણ જ નહોતું, અમારે જેની સાથે વાંધો ચાલે છે તેણે ઝેર પાઇ દીધાની અમને દ્રઢ શંકા છે. જો કે પોલીસે જણાવ્યું હતું કે રોહિતનું ડી.ડી. લેવડાવાયું હતું તેમાં તેણે પોતાને કામધંધો મળતો ન હોઇ બેકારીને કારણે પગલું ભર્યાનું લખાવ્યું છે.

વિગત એવી છે કે ગોતાણા રહેતો રોહિત ૬/૬ના રોજ મજુરી કામ કરીને ઘરે આવ્યા બાદ હમણાં આવું, જમવાનું બનાવી રાખજો તેમ તેની પત્નિ મનિષાને કહીને નીકળ્યા બાદ માળીયા હોસ્પિટલમાંથી ડોકટરે ફોન કરીને તેના પિતા પરબતભાઇને રોહિત શેરીયાખાણની નદી પાસે ઝેર પી ગયાનું જણાવતાં તેઓ તાકીદે ત્યાં દોડી ગયા હતાં. ત્યાંથી રોહિતને કેશોદ અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે તેનું મોત નિપજ્યું હતું.

રોહિત બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્રી છે. પિતા પરબતભાઇ ખેત મજુરી કરે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે અમારી એક દિકરીને શેરીયાખાણના  યુવાને ત્રણેક વર્ષ પહેલા ભગાડીને લગ્ન કરી લીધા છે. ત્યારથી અમારે દિકરી સાથે વ્યવહાર નથી અને તેના સાસરિયા સાથે પણ અમારે કોઇ સંપર્ક નથી. રોહિતને માળીયાની હોસ્પિટલે જે લોકો લાવ્યા હતાં તેના પર અમને શંકા છે.

જો કે પોલીસના કહેવા મુજબ રોહિતે બેકારીને કારણે ઝેર પી લીધાનું ખુદ તેણે ડી.ડી.માં લખાવ્યું હતું. આમ છતાં આક્ષેપો અંગે તપાસ થશે. (૧૪.૫)

(12:39 pm IST)