સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જસદણના ભડલીના માજી રાજવીની હત્યામાં ભત્રીજા સહિતનાઓને ઝડપવા ૩ ટીમના દરોડા

આટકોટ, કાનપર, ગઢડા અને બોટાદ સ્થિત આશ્રય સ્થાનો પર પોલીસના છાપા પણ આરોપીઓ ન મળ્યા

રાજકોટ, તા. ૮ :. જસદણના ભડલી ગામના માજી રાજવી અને એડવોકેટ ધીરૂભાઈ ગભરૂભાઈ ખાચર (ઉ.વ. ૬૦)ની ગોળી ધરબી હત્યા કરનાર ભત્રીજા સહિતના શખ્સોને ઝડપી લેવા પોલીસની ત્રણ ટીમો દ્વારા દરોડા પડાયા હતા પણ આરોપીઓ હાથમાં આવ્યા ન હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત બુધવારે ભડલીની બજારમાં માજી રાજવી અને એડવોકેટ ધીરૂભાઈ ગભરૂભાઈ ખાચર (ઉ.વ.૬૦) પર તેના ભત્રીજા સિદ્ધરાજ રાજુભાઈ ખાચર સહિત ૪ શખ્સો ફાયરીંગ કરી કરપીણ હત્યા કરી નાસી છૂટયા હતા. વડીલો પાર્જિત મિલ્કતના વિવાદમાં માજી રાજવીની હત્યા કરાયાનું ખુલ્યુ હતું. આ અંગે મૃતકના પુત્રની ફરીયાદ પરથી પોલીસે હત્યા કરનાર ભત્રીજા સિદ્ધરાજ ખાચર તથા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન હત્યા કરી નાસી છૂટેલ સિદ્ધરાજ ખાચર અને તેના ત્રણ સાગરીતોને ઝડપી લેવા રૂરલ એસપી તથા ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૩ ટીમો બનાવાઈ હતી. જસદણ પોલીસની બે ટીમો અને રૂરલ ક્રાઈમ બ્રાંચની એક ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા આટકોટ, કાનપર, ગઢડા અને બોટાદ સ્થિત તેના આશ્રય સ્થાનો પર છાપા મરાયા હતા પરંતુ આરોપીઓના કોઈ સગડ મળ્યા ન હતા. વધુ તપાસ જસદણના પી.આઈ. પલ્લાચાર્ય કરી રહ્યા છે.

(11:36 am IST)