સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ટાટા કેમિકલ્સે મીઠાપુરમાં 'જોબ ફેર ૨૦૧૮' આયોજન કર્યું: ૧૨૦૦ ઉમેદવારો સહભાગી થયાં

મીઠાપુર, તા.૮: ધ ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (TCSRD)એ ટેકનિકલ અને નોન-ટેકનિકલ અરજદારો માટે મીઠાપુરમાં 'જોબ ફેર ૨૦૧૮' આયોજન કર્યુ હતું. જેમાં ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકામાંથી ૧૨૦૦થી વધારે રોજગાર ઇચ્છતાં યુવાન ઉમેદવારો સહભાગી થયાં હતાં.

આ ફેરમાં સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, વટવા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન, રિલાયન્સ રિટેલ, એલએન્ડટી કન્સ્ટ્રકશન સ્કિલ્સ ટ્રેનિંગ સહિત અગ્રણી કોર્પોરેટનાં પ્રતિનિધિઓએ ઉમેદવારોનાં ઇન્ટરવ્યૂ લીધા હતાં. તેમાં વિવિધ પોઝિશન પર ૩૦૦થી વધારે ઉમેદવારોની પસંદગી થઈ હતી. રિક્રૂટમેન્ટ એજન્સીઓ અને કંપનીઓ ભવિષ્યમાં તેમની જરૂરિયાત મુજબ બાકીનાં ઉમેદવારોનો સંપર્ક કરશે એવી ખાતરી આપી હતી.

ટાટા કેમિકલ્સ, મીઠાપુરનાં ઉત્પાદનનાં વાઇસ પ્રેસિડન્ટ બી બી કથપાલિયાએ કહ્યું હતું કે, 'ટાટા કેમિકલ્સ એકીકૃત, સર્વસમાવેશક અને સંકલિત સમાજની રચનામાં માને છે, જેમાં તમામ વ્યકિતઓને વ્યકિતગત વિકાસ અને સર્વસમાવેશક આર્થિક વિકાસ માટેની તકો ઉપલબ્ધ થાય છે. આ વિસ્તારનાં યુવાનો લાયકાત ધરાવે છે, પણ તેમની લાયકાત અને તાલીમ મુજબ રોજગારી આપતી કંપનીઓ સુધી તેઓ પહોંચ ધરાવતાં નથી. આ પ્રકારની પહેલો મારફતે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ આ યુવાનોને અગ્રણી કોર્પોરેટમાં ઉપલબ્ધ સંભવિત રોજગારીઓનો લાભ લેવાની તક પૂરી પાડે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની કારકિર્દીને પાંખો આપે છે.'

(11:21 am IST)