સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ધોરાજી સ્વામિનારાયણ મંદિરે ૩ દિવસીય ભજગોવિન્દ સંગીત સરીતા કથાનું સમાપન

ધોરાજી, તા.૮ : સ્વામિનારાયણ મંદિર ખાતે ૩ દિવસીય ભજગોવિન્દ સંગીત સરીતા પારાયણમાં સાળંગપુરના રાષ્ટ્રીય સંગીત સંત શ્રી કૃષ્ણપ્રિયદાસ સ્વામીની મધુરવાણી દ્વારા કથાના છેલ્લા દિવસે રાષ્ટ્રભકિત દેશભકિત ઉપર ભાર મૂકયો હતો.

પ.પૂ.શ્રી પ્રમુખ સ્વામીબાપના અને પૂ.શ્રી મહંત સ્વામીના કૃપાપાત્ર સંત શ્રી કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ભજ ગોવિન્દ સંગીત સરીતાના છેલ્લા દિવસે પોતાની દિવ્યવાણી સાથે હરિભકતોને જણાવેલ કે પ્રમુખ સ્વામી મહારાજ એ અનેક દેશોમાં વિચરણ કરી ભાઇચારાનો સંદેશો પાઠવેલ.

આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ અને બીસ્મીલાખાન વિશે દેશ ભકિત બાબતે સૌએ અભ્યાસ કરવો જોઇએ. પ્રમુખ સ્વામી અને ગુરૂ હરિશ્રી મહંત સ્વામીએ બતાવેલ માર્ગ ઉપર આપણે સૌએ ચાલવું જોઇએ અને દેશભકિતની સાથે સાથે ઘરસભા-રવિસભા, બાળસભા સાથે સત્સંગમાં જોડાવવું જોઇએ. ભજ ગોવિંદ સંગીત સરીતાના છેલ્લા દિવસે અખિલ ભારતીય વિશ્વકર્મા મહારાજના અગ્રણી કિશોરભાઇ રાઠોડ, કિશોરભાઇ માવાણી, રણછોડભાઇ દેશાઇ, મહેન્દ્રભાઇ કોટડીયા વિગેરે હરીભકતોનું સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ હાર પહેરાવી સન્માન કરેલ હતું.

આ પ્રસંગે સાધુ કલ્યાણ મૂર્તિ સ્વામી અને સાધુ નિદોષ સેવાદાસસ્વામી જુનાગઢએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું અને નવનીતભાઇ સુરાવણી સભામાં મોટી સંખ્યામાં રહી ભકતો ઉપસ્થિત રહ્યા હતાં.

(9:21 am IST)