સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

મોરબી સિવિલ હોસ્પિટલ માટે 8 મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો ભેટ ધરતી BAPS સ્વામિનારાયણ સંસ્થા

કોરોના મહામારીમાં ભારે અછત વચ્ચે BAPS સંસ્થાએ અબુધાબીથી 44 મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજન મંગાવ્યો : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબીમાં ઓક્સિજન સેવા

મોરબી : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોવીડ રાહત સેવાના ભાગરૂપે અબુધાબી મંદિરથી રાહત સામગ્રીનું પ્રથમ શિપમેન્ટ ગુજરાત આવી પહોંચ્યું છે. આ પ્રથમ જથ્થામાં કુલ 44 મેટ્રિક ટન ભરેલી બે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનો સમાવેશ થાય છે. દુબઈથી તા. 1 મેના રોજ રવાના થયેલું શિપમેન્ટ તા. 6 મેના રોજ ગુજરાત આવી પહોંચ્યું છે. ગુજરાત સરકાર સાથેના સંયોજન દ્વારા નક્કી કરાયેલ હોસ્પિટલોમાં બી.એ.પી.એસ. સંસ્થાએ આ ઓક્સિજન વિના મૂલ્યે દર્દીઓની સેવામાં પહોંચાડવા આજે મોરબી સિવિલ હોસ્પિટલને આઠ મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો દર્દીઓ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.
BAPS અબુધાબી સ્વામિનારાયણ મંદિર દ્વારા મોકવામાં આવેલા આ પ્રથમ શિપમેન્ટ દ્વારા ગુજરાત આવી પહોંચેલ ઓક્સિજનના પુરવઠાનું, ડીસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ–મોરબી (8 MT), ગુરુ ગોબિન્દસિંહ જનરલ હોસ્પિટલ–જામનગર (12 MT), સિવિલ હોસ્પિટલ–પાલનપુર (8 MT), GMERS હોસ્પિટલ-પાટણ (8 MT) અને યોગીજી મહારાજ હોસ્પિટલ-અમદાવાદ (4 MT) વગેરે હોસ્પિટલોમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
આ અભિયાનના વિશેષ ભાગરૂપે મોરબી જિલ્લાની પ્રજાને પણ મદદરૂપ થવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ૮ ટન લિકવિડ ઓક્સિજનની મદદ અપાશે. તેમજ અબુધાબીથી આવેલ લિકવિડ ઓક્સિજનને આજે તા. 8ના રોજ મોરબીમાં રાજપર રોડ પર આવેલ મારુતિ એર પ્રોડકશન સ્ટોરેજ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અધિક કલેકટર કેતનભાઈ જોષી, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હરિસ્મરણ સ્વામી અને મંગલપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તકે સિવિલ હોસ્પિટલે સ્વામી નારાયણ સંસ્થાનો આભાર માન્યો છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે બી.એ.પી.એસ. હિંદુ મંદિર-અબુધાબી દ્વારા ભારત મોકલાયેલ આ પ્રથમ શિપમેન્ટની પાછળ આવા હજુ વધુ શિપમેન્ટની શ્રુંખલા આવી રહી છે, જેમાં મહિને કુલ ૪૪૦ મેટ્રિક ટન લીક્વીડ ઓક્સિજનનો ખૂબ મોટો પુરવઠો પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. આ જથ્થામાંથી કુલ ૧,૦૫,૦૦૦થી વધુ ઓક્સિજન સીલીન્ડરો ભરાશે. સલામતીનાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ લીક્વીડ ઓક્સિજન માઈનસ ૧૮૫ ડીગ્રી તાપમાને સલામત રીતે ભારત પહોંચાડવા માટે ખાસ પ્રકારની વેક્યુમ-ઇન્સ્યુલેટેડ ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(12:40 pm IST)