સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

મોટી પાનેલીમાં પૂરતી અને સમયસર વેકસીન ન આવતા લોકોમાં રોષ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૮ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જેની નીચે બીજા અગ્યાર જેટલાં ગામ આવે છે સાથેજ પાનેલીની જ વસ્તી તેરહજાર જેટલી હોય લોકો વધી રહેલા કોરોનાં સંક્રમણથી બચવા વેકસીન માટે આવી રહ્યા છે અત્યારે ૪૫થી ઉપરની ઉંમરનાઓને પ્રથમ અને બીજો ડોઝ અપાઈ રહ્યો છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં વેકસીન ઉપલબ્ધ ના હોય લોકોને ત્રણ ચાર કલાક સુધી બેસી રહેવું પડે છે.

એકબાજુ કોરોનાં સંક્રમણનું ટેસ્ટિંગ પણ ચાલતું હોય અને એકબાજુ વેકસીન લેવા વાળા આવતા હોય સંક્રમણ વધવાના ભય વચ્ચે પણ લોકો વેકસીન માટે રાહ જોઈને બેસી રહેતા હોય અને જયારે વેકસીન આવે ત્યારે માંડ રોજ ૨૦ કે ૩૦ વ્યકિતઓનો ડોઝ આવતો હોય બીજા લોકોને રાહ જોઈને પરત ફરવું પડે છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વેકસીનની અપૂર્તિ અને સમયસર વેકસીન ના આવતા સ્થાનિકો ભળકયા હતા.

ભારે આક્રોશ વ્યકત કરી સ્થાનિક કર્મચારીઓ ઉપર ગુસ્સો ઠાલવતા સ્થાનિક કર્મચારી નિકુંજભાઈ દ્વારા જેટલી વેકસીન આવે એટલાજ લોકોને ફોનથી બોલાવવા એવો નિર્ણય કરી લોકોના આક્રોશને શાંત કરેલ.જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારીનો ભોગ સ્થાનિક કર્મીઓ બની રહ્યા હોય સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ સ્થાનિક કર્મીઓનો થઇ રહ્યો છે.

લોકોના ભારે આક્રોશ વચ્ચે સ્થાનિક આગેવાનો દોડી જઈને વેકસીન મુદે તંત્ર સમક્ષ ભારે નારાજગી વ્યકત કરી જણાવેલ કે પાનેલી આવડું મોટુ ગામ હોય સાથે અગ્યાર જેટલાં ગામ પાનેલી આરોગ્ય કેન્દ્ર નીચે આવતા હોય તેમછતાં તંત્રએ કોવીડ સેન્ટર કે ઓકિસજન બેડ કે એમ્બ્યુલન્સ કે એમડી ડોકટર કે ઓકિસજન બોટલ જેવી કોઈ વ્યવસ્થા પાનેલીને ફાળવેલ ના હોય લોકો તંત્રના પાપે હેરાન પરેશાન છે અને હજુ વેકસીન મુદે પણ પાનેલીની શાંતિપ્રિય જનતા કે જેઓએ સંક્રમણ થી બચવા છેલ્લા વિસ વિસ દિવસ લોકડાઉનમાં સંપૂર્ણ સહકાર આપ્યો હોય તેવા લોકોને ના છૂટકે ગુસ્સો વ્યકત કરવો પડે છે જો પાનેલીમાં હાલ પાંચસો જેટલાં કોરોનાં દર્દીઓ છે અને છેલ્લા વીસેક દિવસોમાં પચાસ જેટલાં લોકોના મૃત્યુ થયેલ હોય લોકોમાં ભારે ભય ફેલાયેલો છે ને આવા કપરા સમયમાં જિલ્લા આરોગ્ય તંત્ર બેદરકારી દાખવતું હોવાનું ગંભીરપણે જણાવેલ છે.

(11:59 am IST)