સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

વિંછીયાના છાસીયા પાસે વીડીમાં સસલાનો શિકાર કરવા આવેલા ૩ શખ્સને પોલીસે દબોચ્યા

ચોટીલાના ઢોકળવાના ભના ઝાપડીયા, ધીરૂ સાબળીયા અને નારણ ઝાપડીયાની ધરપકડઃ દેશી બંદુક, ૧૫૦ ગ્રામ દારૂગોળો, લોખંડના છરા કબ્જે

રાજકોટ, તા. ૮ :. વિંછીયાના છાસીયા ગામની સીમમાં સસલાનો શિકાર કરવા આવેલા મોટીલાના ઢોકળવાના ત્રણ શખ્સોને વિંછીયા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ વિંછીયાના છાસીયા ગામ પાસે ત્રણ શખ્સો હથિયાર સાથે આવ્યા હોવાની વિંછીયા પોલીસ મથકના પીએસઆઈ ટી.એસ. રીઝવીને બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચનાથી પીએસઆઈ ટી.એસ. રીઝવી, હેડ કોન્સ. ધનજીભાઈ વાસાણી, કોન્સ. સુરેશભાઈ મીઠાપરા, નિલેશભાઈ ઝાપડીયા અને જયેશભાઈ મેર સહિતે છાસીયા ગામની ધારેય ડેમવાળી વીડીમાંથી ચોટીલાના ઢોકળવાના ભના નાથાભાઈ ઝાપડીયા, પરબડીના ધીરૂ મેઘાભાઈ સાબળીયા અને ઢોકળવાના નારણ વીરાભાઈ ઝાપડીયાને પકડી લઈ રૂ. ૮૦૦૦ની કિંમતની દેશી બંદુક, ૧૫૦ ગ્રામ દારૂગોળો, કાપડની પોટલીમાંથી ૧૦૦ ગ્રામ છરા અને સ્ટીલની ડબીમાંથી ચાંદલીયા મળી રૂ. ૮૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે પૂછપરછમાં ત્રણેય શખ્સો સસલાનો શિકાર કરવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)