સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જગવિખ્યાત યાત્રાધામ વિરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યાની ધર્મશાળામાં ૫૦ બેડ હોમઆઇસોલેટ કરાયેલા દર્દીઓને માટે અપાયા

દર્દીઓને સવારે ચા-નાસ્તો અને બપોરે - સાંજે જમવાની વ્યવસ્થા કરાઇ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર -જલારામ તા. ૮ : સમગ્ર ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે લાખો લોકો કોરોનાનો ભોગ બન્યા છે, કોરોના દર્દીઓને કારણે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જવા પામ્યા છે જેમને લઈને અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ જગ વિખ્યાત યાત્રાધામ વિરપુરના સમરથ સંત પૂજય જલારામ બાપાના પરિવારજનો કોરોના દર્દીઓ માટે આગળ આવ્યા છે.

પૂજય જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજય રઘુરામ બાપાએ પૂજય જલારામ બાપાની જગ્યાની ધર્મશાળામાં ૫૦ જેટલા બેડ કોરોના દર્દી માટે તંત્રને સેવા માટે આપ્યા છે, કોરોનાના હોમ આઇસોલેટ કરાયેલા દર્દીઓને પૂજય જલારામ બાપાની જગ્યાની ધર્મશાળા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે, પૂજય જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાણીએ જણાવ્યું હતું કે વિરપુર પૂજય બાપાની ધર્મશાળામાં ૫૦ બેડ કોરોનાને કારણે હોમઆઇસોલેટ કરાયેલા દર્દીઓ માટે તંત્રને આપવામાં આવ્યા છે.

જેમાં દર્દીઓને સવારે ચા-નાસ્તો અને બપોરે અને સાંજે એમ બે ટાઈમ જમવાનું પણ આપવામાં આવશે. રાજકોટ જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ ગોહેલ તથા જેતપુર તાલુકા વિકાસ અધિકારી (TDO) નિશાંત કુગસીયા તેમજ વિરપુરના રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય જનકભાઈ ડોબરીયા તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાન વેલજીભાઈ સરવૈયા તથા વિરપુર ગામના સરપંચ નારણભાઈ ઠુંગા વગેરે આગેવાનોએ પૂજય બાપાના પરિવારજનોને રજુઆત કરી હતી અને તે રજુઆતને પૂજય રઘુરામબાપાએ તુરંત જ ધર્મશાળાના ૫૦ જેટલા બેડ દર્દીઓ માટે આપી દીધા હતા, ગાદીપતિ પૂજય રઘુરામ બાપાના આ નિર્ણયથી પોઝિટિવિટી ધરાવતા દર્દીઓ,જેમને હોમ આઇસોલેટ થવા માટે પૂરતી સગવડ ના હોઈ તેવા દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદ રૂપ સાબીત થશે.

(11:49 am IST)