સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

પાટડીનું સરકારી કોવીડ કેર સેન્ટર ધામાના નારણભાઇ માટે બન્યું આશીર્વાદ

સુરેન્દ્રનગર તા.૮ : પાટડી તાલુકાના ધામા ગામમાં રહેતા ૪૫ વર્ષના નારણભાઇ રથવીને થોડા દિવસોથી સામાન્ય શરદી-ઉધરસ હતી. જે માટે તેમને ગામના ડોકટર પાસે સારવાર લીધી હતી. થોડા દિવસો બાદ શ્વાસ લેવામાં તકલીફ પડવાથી તેઓ આદરીયાણા ગામના પીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે ગયા. ત્યા તેમનું ઓકસીજન લેવલ ૮૧ આવતા ડોકટરે તાત્કાલીક સીટીસ્કેન કરાવી સરકારી સેન્ટરમાં દાખલ થવાની સલાહ આપી.

ડોકટરની સલાહને ધ્યાને લઇ રિપોર્ટ કરાવતા સીટીસ્કેનના રિપોર્ટમાં સંક્રમણનું પ્રમાણ ઘણુ વધારે દેખાતા તેમજ સીઆરપી લેવલ પણ વધારે આવતા તેમને વધુ સારી સારવર મળી રહે તે માટે તેમને સારવાર અર્થે પાટણ લઇ ગયા હતા પરંતુ ત્યા કોઇ ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી તેમને તુરંત જ પાટડીના સરકારી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા. જયા ફરજ ઉપરના તબીબ અને આરોગ્ય કર્મીઓની પાંચ દિવસની સઘન સારવારના પરિણામે નારણભાઇ કોરોના મુકત થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કોવીડ પોઝીટીવમાંથી નેગેટીવ બનવા સુધી તેમને મળેલી સારવારને વર્ણાવતા નારણભાઇ કહે છે કે, જયારે મને પાટડી કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મારૂ ઓકસીજન લેવલ ખૂબ જ ઓછુ થઇ ગયુ હતુ. તેમજ હાર્ટ બીટ (ધબકારા) પણ ઘટી ગયા હતા. ત્યારબાદ પાટડી કોવીડ કેર સેન્ટરમાં મારી સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મારા લોહીની તપાસ કરાઇ, જરૂર પડતા ઓકસીજન અપાયો, નિયમીત દવાઓ અને ઇન્જેકશન પણ અપાયા હતા. સતત પાંચ દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા મને ત્યાથી રજા અપાઇ. આજે હું સંપુર્ણ સ્વસ્થ છુ. તેનો શ્રેય માત્ર પાટડીના સરકારી કોવીડ કેર સેન્ટરને જાય છે. કારણ કે, જો ત્યા મને સમયસર સારવાર ન મળી હોત તો મારી સ્થિતિ વધુ ગંભીર થઇ હોત.

નારણભાઇના સુત્ર જીજ્ઞેશભાઇ જણાવે છે કે, મારા પિતા પાટડીના સરકારી કોવીડ કેર સેન્ટરમાં દાખલ હોવા છતા અમને તેમના ભોજન કે ખર્ચની ચિંતા ન હતી. કેમકે ત્યા કોવીડ કેર સેન્ટરમાં મારા પિતાને તમામ જાતની સારવાર અને પૌષ્ટિક ભોજન સમયસર મળી રહેતું હતુ. જો મે મારા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હોત તો અમને તેમના ભોજન અને તેમની સારવાર સહિતનો મોટો ખર્ચ કરવો પડત. મારા પિતાએ આટલી જલ્દી કોરોનાને હરાવ્યો એમાં પાટડી સરકારી કોવીડ કેર સેન્ટર તેમજ ત્યાના આરોગ્ય કર્મીઓનો બહુ મોટો ફાળો છે.

(11:45 am IST)