સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th May 2019

કચ્છ IDBI બેંકનું ૭.૮૨ કરોડનું લોન કૌભાંડઃ મુંબઈના બિઝનેસમેન પરિવારના આગોતરા જામીન નામંજૂર

સીઆઇડી ક્રાઇમની તપાસમાં પાકિસ્તાની શરણાર્થીઓની જમીનો તેમજ મૃત મહિલાના નામે લેવાયેલ લોન કૌભાંડ ખુલ્યું, સ્ટેટ બેંક, દેના બેંક, RBL, ICICIમાં પણ મોટું નાણાકીય કૌભાંડ

ભુજ, તા.૮: (ભુજ) સામાન્ય ખેડૂત, મધ્યમવર્ગના વ્યાપારી અને આમ નાગરિકને લોન આપવામાં અખાડા કરતી બેંકો કેવા કેવા નાણાકીય ખેલ કરે છે, તે હકીકત ચોંકાવી મૂકે તેવી છે.

 

કચ્છના બળદિયા (ભુજ) ગામની IDBI બેંકની શાખાએ ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલા વ્રજકુંવરબા જેઠુજી જાડેજાને આપેલી ૮૨ લાખ રૂપિયાની લોન ઉપરાંત ૭ પાકિસ્તાની શરણાર્થીઓને આપેલ એક એક કરોડની લોન સંદર્ભે સીઆઇડી ક્રાઇમમાં કરાયેલી ફરિયાદ બાદ કચ્છના રાજકીય આગેવાન જેન્તીલાલ ઠકકર ઉર્ફે જેન્તી ડુમરા ઉપરાંત મુંબઈના બિઝનેસમેન કોટનકિંગ ભદ્રેશ મહેતા, તેમબ પત્ની હિના મહેતા, પુત્ર પાર્થ મહેતા તેમ જ નવી મુંબઈના કચ્છી વ્યાપારીઓ કમલેશ કરસનદાસ ઠકકર, કુશલ મુકેશ ઠકકર એમ ૭ વિરુદ્ઘ તપાસ શરૂ કરાઇ હતી.

જે પૈકી જેન્તી ડુમરાની પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. દરમ્યાન મુંબઈના બિઝનેસમેન મહેતા પરિવારે ધરપકડથી બચવા ભુજ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ સુનાવણીમાં સીઆઇડી ક્રાઇમ તરફે કચ્છના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી અને બેંકમાં ખેડૂતોના નામે લેવાયેલી લાખો રૂપિયાની લોન ખાનગી વ્યાપારી પેઢીમાં ટ્રાન્સફર કરીને મોટું નાણાકીય કૌભાંડ આચર્યા બાદ નાણા ભરીને પોતાને નિર્દોષ સાબિત કરવાના પ્રયાસોથી ગંભીર ગુનાહિત ષડ્યંત્ર છુપાવવાના પ્રયાસોને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા નાણાકીય કૌભાંડ ગણાવ્યા હતા.

બચાવપક્ષ દ્વારા ચાર વર્ષ સુધી નાણા વાપર્યા બાદ તે પરત ભરી દેવાથી તેમણે બેંકોમાં રજૂ કરેલા ખોટા દસ્તાવેજો, ખોટી સહીઓ અને ખોટા આધારપુરાવાઓ ગંભીર છે. તમામ આરોપીઓ ભણેલા ગણેલા છે, ખેતીના નામે લાખો રૂપિયા લઈ લીધા બાદ તેમણે પોતાના વ્યાપારમાં આ નાણાનો ઉપયોગ કર્યો છે.

 કચ્છના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ આરોપીઓ દ્વારા RBL, ICICI બેંક, સ્ટેટ બેંક તેમ જ દેના બેંકમાં પણ નાણાકીય કૌભાંડ આચરાયા હોવાની દલીલોને પગલે ભુજ કોર્ટના ચોથા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલે ભદ્રેશ વસંત મહેતા, તેમના પત્ની હિના અને પુત્ર પાર્થના આગોતરા જમીન નામંજૂર કર્યા હતા. બેંક લોનના રૂપિયા મુંબઈની અર્પિત ઇન્ટરનેશનલ અને ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન સહિતની વ્યાપારી પેઢીમાં ટ્રાન્સફર કરાયા હોવાનું સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું.

(11:51 am IST)