સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

પ્રજા હવે ભુખથી મરવા કરતાં કોરોનાથી મરવા તૈયાર છે : વિરજીભાઇ ઠુંમર

કોવિડ હોસ્પિટલોમાં ઓકસીજન પુરતી માત્રામાં અને મુળ ભાવે ઉપલબ્ધ કરાવી કાળાબજારી બંધ કરાવોઃ રાજયના તમામ જિલ્લાઓમાં રેમડેસિવર ઇન્જેકશન જરૂરી માત્રામાં ઉપલબ્ધ કરાવોઃ તમામ ખાનગી હોસ્પિટલોમાં પ૦ ટકા ફ્રી બેડ પુનઃ ડેઝીગ્નેટ કરો : વિજયભાઇ રૂપાણીને કોંગ્રેસના ધારાસભ્યની રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૮ :  ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજયના મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી કરતા જણાવ્યું હતું જનઆક્રોશ એ છે કે પ્રજા હવે ભુખથી મરવા કરતા કોરોનાથી મરવા તૈયાર છે. હાઇકોર્ટના આદેશ અનુસાર રાજય સરકાર કોઇપણ નિર્ણય લેતા પહેલા સરકારની ભુલોનો ભોગ કોરોના મહામારીથી બેકારી -મોંઘવારીમાં પીસાતી ગરીબ અને મધ્યમવર્ગની જનતાની ચિંતા કરે અને રોજીરોટી વગર ભુખ્યા ના સુવે તેની ચિંતા કરે.

કોવિડ હોસ્પિટલોમાં ઓકસીજનની અછત વર્તાઇ રહી છે એવામાં જ ઓકસીજન સપ્લાય કરતી કંપનીઓએ ભાવ વધારી દીધા છે. ઓકસીજન સિલીન્ડરનો મુળ ભાવ ૧૬૦ થી ૧૭૦ વચ્ચે હતો જે હાલમાં કંપનીનો ભાવ વધારી રૂ. ર૮પ પ્લસ જીએસટી એમ કુલ રૂ. ૩૧૬ પ્રતિ ઓકસીજન સિલીન્ડરના માંગી રહી છે. ઓકસીઝન પુરતી માત્રામાં અને મુળ ભાવે ઉપલબ્ધ કરાવી દર્દીઓને હાલાકી ના પડે તે માટે સરકાર યોગ્ય આયોજન કરે.

રેમડેસીવર ઇન્જેકશનની સમગ્ર રાજયમાં અછત ઉભી થઇ છે તેને દૂર કરો તથા સમગ્ર રાજયમાં એની કાળા બજાર થઇ રહી છે. ૯૦૦ રૂપિયામાં મળતા ઇન્જેકશન આજે ૪ થી પ હજાર રૂપિયામાં કાળાબજારમાં વેચાઇ રહ્યા છે. સરકાર પુરતા પ્રમાણમાં ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવી તેનું વિકેન્દ્રીકરણ શરૂ કરાવે.

રાજકીય મેળાવડા, ચૂંટણીઓ અને ક્રિકેટ સ્ટેડિમમાં ભેગી થયેલી ૬પ૦૦૦ ની ભીડના કારણે કોરોના સંક્રમણ ગુજરાતમાં બેકાબુ થયો છે. સરકાર પોતાની નિષ્ફળતા અને બેદરકારીનો ઠીકરો હાઇકોર્ટના આદેશનો સહારો લઇ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનાં દંડનો કોરડો ઝી઼કાવ્યા પછી હવે લોકડાઉન-કફર્યુ કરી દોષનો ટોપલો પ્રજાના માથે ફોડશે. સરકારે પ્રજાનો આક્રોશ સમજવો જોઇએ. તેમ અંતમાં વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.

(1:04 pm IST)