સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

અમરેલીમાં ૪૧.૨ ડિગ્રી : સૌરાષ્ટ્ર - કચ્છમાં આકરો તાપ

મહત્તમ તાપમાનનો પારો સતત વધતા લોકો ગરમીથી ત્રાહીમામ : બપોરના સમયે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે ઉનાળો બરાબરનો જામતો જાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

મહત્તમ તાપમાનનો પારો સતત વધતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ગઇકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન ગઇકાલે અમરેલીમાં ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું.

દરમિયાન રાજ્યમાં કાલે અમરેલીમાં ૪૧.૫ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી, અમદાવાદમાં ૪૦.૯ ડિગ્રી, ડિસામાં ૪૦.૧ ડિગ્રી, વડોદરામાં ૪૦.૭ ડિગ્રી, જામનગરમાં ૩૫.૭ ડિગ્રી, કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ હજુ આગામી શનિવાર અને રવિવાર બે દિવસ પોરબંદર અને ગીર-સોમનાથમાં હીટવેવની સ્થિતિ રહેશે એવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ગઇકાલે ૪૦.૯ ડિગ્રી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધાયું છે.

શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઇ જાય છે. બપોરના સમયે તો ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગે છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ શહેરનું તાપમાન ઉંચકાશે એવું હવામાન - નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

બીજી તરફ, મોડી રાત્રે ઠંડીનો અહેસાસ પણ થાય છે. રાત્રે ઠંડો પવન ફુંકાતા લોકો રાહત અનુભવી રહ્યા છે ત્યારે તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં ૪૦ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાઇ રહ્યું છે. મંગળવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હીટવેવ સાથે રાજ્યમાં આગામી ૪૮ કલાક આકરા સાબિત થશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી, લઘુત્તમ ૨૪.૫ ડિગ્રી, હવામા ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ ૮.૭ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(1:03 pm IST)