સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

સાવરકુંડલામાં ૩ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ કેસમાં રાજુ માંગરોળીયાને આજીવન કેદની સજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૮: નામદાર એડીશન સેશન્સ કોર્ટ (પોકસો કોર્ટ) અમરેલી દ્વારા સાવરકુંડલા ટાઉનમાં ૩ વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કારના કેસમાં તપાસ કરનાર તથા સ્પે. પી.પી.ની દલીલ આધારે આરોપી રાજુ નારણભાઇ માંગરોળીયાને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદ તથા રૂ. ૧પ૦૦૦૦૦ વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

એક ત્રણ વર્ષની દિકરી તેના માતા-પિતા સાથે ઝુંપડપટ્ટીમાં સુતી હતી ત્યારે રાત્રીના સમયે આ ત્રણ વર્ષની દીકરીને કોઇ ન નરાધમ વ્યકિત પોતાની હવસ સંતોષવા ખરાબ કૃત્ય કરવાના ઇરાદે ઉપાડી ગયેલ અને ત્યાર બાદ આ કામના ફરીયાદી દિકરીના માતા તથા દિકરીના પિતાએ તપાસ કરતા આ દિકરી તેમના રહેણાંક ઝુંપડપટ્ટીની આજુબાજુમાંથી કયાંય મળેલ નહી. ત્યાર બાદ તેઓએ વિશેષ તપાસ કરતા આ દિકરી મોટા ઝીંઝુડા ગામેથી મળી આવેલ અને તે ભોગ બનનાર દિકરીના કપડા લોહીલુહાણ  હતા અને કોઇ અજાણ્યા ઇસમે માસુમ બાળા ઉપર નરાધમ કૃત્ય કરેલ હોવાનું જણાતા અમરેલીના બાહોશ એસ.પી.શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે સઘન તપાસ શરૂ કરી હતી.

આ કેસમાં ત્રણ વર્ષની નાની બાળકી ભોગ બનેલ હોય એસપીશ્રી નિર્લિપ્ત રાયએ  ગૃહ વિભાગમાં કરેલી રજુઆતને ધ્યાને લઇ અને સરકારે બનાવની ગંભીરતા પારખી આ કેસ માટે સ્પેશ્યલ પી.પી. તરીકે ગુજરાત સરકારના લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત સરકાર તરફથી અમરેલીના સીનીયર અને બાહોશ એડવોકેટ ઉદયન ત્રિવેદીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવેલી. આ બનાવની કરૂણા અને ગંભીરતા જોતા સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા.

પાંચ મહિના જેવા ટૂંકા ગાળામાં અમરેલીના મ્હે. શ્રી સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ આર. આર. દવેએ આરોપી રાજૂ કડીને ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, (એ) (બી), ૩૭૭ તથા પોકસો એકટની કલમ ૪, ૬, ૮, ૧૦ વિગેરે  મુજબ બંને પક્ષોને સાંભળીને ખુબ જ ટૂંકા ગાળામાં આરોપીને બાળકોના જાતિય ગુન્હા સામે રક્ષણ અધિનીયમ ર૦૧ર ની કલમ ૬ માં તથા આઇ. પી. સી. ની કલમ ૩૭૬ (એબી) માં આ કામના આરોપીને તેના કુદરતી મૃત્યુ સુધી જેલનો હુકમ કરવામાં આવેલ છે તેમજ આ કામના આરોપીને આઇ. પી. સી. ની કલમ ૩૬૩ માં પ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ તેમજ રૂ. ર,૦૦૦ નો દંડ કરવામાં આવેલ છે તેમજ આઇ. પી.  સી. ની કલમ ૩૭૭ માં ૧૦ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ તેમજ રૂ. ૩,૦૦૦ નો દંડ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ કામના પોકસો એકટ ર૦૧ર ની કલમ ૩૩(૮) તથા પોકસી રૂલ્સ ર૦ર૦ ના રૂલ ૯ (ર) હેઠળ ભોગ બનનાર બાળકીને રૂ. ૧પ,૦૦,૦૦૦ નું વળતર ચુકવવાનો સરાહનીય હુકમ અમરેલીના શ્રી સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ આર. આર. દવેએ કરેલ છે. આ સમગ્ર કેસની તપાસ કરનાર પી.આઇ. વસાવા તથા તેના રાઇટર જયદિપસિંહ ગોહીલ તથા એલસીબી પી. આઇ. કરમટા તથા એસઓજી પી. આઇ. શ્રી મોરી સહિતના સ્ટાફે એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અસરકારક તપાસ કરી ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર્જશીટ રજૂ કરેલ તેમજ સખી વનસ્ટોપ સેન્ટરના લાજવંતીબેન બધેકા તથા મનીષાબેન ત્રિવેદીએ આ કેસમાં મહિલા અને બાળ અધિકારી ગોહીલના માર્ગદર્શન હેેઠળ વન સ્ટોપ સ્ટેશન રાજકોટના સહકારથી બાળકીનું રાજકોટ ઓપરેશન કરાવી તેને નવજીવન આપીને પોતાની ફરજ સનિષ્ઠપણે નિભાવેલ હતી.

(1:01 pm IST)