સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

પોરબંદરમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું : બિન સત્તાવાર ૧૦૦થી વધુ કેસો : સરકારના રેકર્ડ ઉપર માત્ર ૨ નવા કેસ

લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દિલીપભાઇ ધામેચાએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ તેમનો કોરોના પોઝિટિવ રીપોર્ટ : ૩ બેંક કર્મચારીઓને કોરોના : સરકારી રેકર્ડ ઉપરના કોરોનાના આંકડા ભરોસાપાત્ર નહી હોવાની ફરિયાદો : કોરોના કેસના સાચા આંકડા જાહેર કરવા માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ : શહેરમાં કોરોનાએ માથું ઉંચકતા ૧૦૦થી વધુ દર્દીઓ કોરોનાની ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સારવારમાં હોવાનું બિન સત્તાવાર જાણવા મળે છે.

દેશભરમાં કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે પોરબંદરમાં ૧૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હોવાનું બિનસત્તાવાર હોવાનું જાણવા મળેલ છે.

લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દિલીપભાઇ ધામેચાએ ૧૦ દિવસ પહેલા કોરોના રસી લીધા બાદ તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઉપરાંત શહેરની ૨ બેંક શાખાઓમાં કુલ ૩ કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર માટે ખસેડાયેલ છે.

પરેશનગરમાં એક ગલીમાં ૧૦ થી ૧૨ કોરોના પોઝિટિવ કેસોની ચર્ચા ઉઠી છે. એક ચર્ચા મુજબ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ૨૨ દર્દીઓને કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં ખસેડયાની ચર્ચા છે. ગઇકાલે સરકારી હોસ્પિટલના રેકર્ડ મુજબ સત્તાવાર કોરોનાના ૨ નવા કેસનું દર્શાવેલ પરંતુ વાસ્તવિકતા જુદી છે.

(12:56 pm IST)