સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

સોમનાથ જતા રસ્તા ઉપર વારંવાર ગંદા પાણી વહી જાય છે

તસ્વીરમાં સોમનાથ જતા રસ્તા ઉપર ગંદા પાણી ફરી વળેલ નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

પ્રભાસપાટણ તા.૮ : વેરાવળ પાટણ સંયુકત ન.પા.ના પ્રભાસપાટણ શહેરમાં સ્વચ્છતા સુઘડતામાં નગરપાલિકા ઘોર બેદરકારી દાખવી રહી છે. સોમનાથ મંદિર જતા મુખ્ય માર્ગ વેણેશ્વર ચોકડી પાસેથી રામવાડી સાઇડની દિશામાં ગટરનું ગંદુ પાણી દુર્ગધ મારતુ કીચડવાળુ પાણી છેક સોમનાથ પાર્કિંગ ચેક પોસ્ટ સુધી છલકાય છલકાયને જાય છે. સોમનાથના ગેસ્ટ હાઉસોમાં ઉતરેલા યાત્રિકો પ્રવાસીઓ તથા પગપાળા ચાલતા યાત્રિકો તથા વાહનોને આ ગંદા પાણીમાં ના છુટકે ચાલી અશુધ્ધ પગે મંદિર સુધી જવુ પડે છે અને જાહેર રોડ ઉપર જ ગંદા પાણી વહેતુ જોઇ યાત્રિકો પ્રવાસીઓ સોમનાથ તિર્થની છાપ તંત્રના પાપે ખરાબ લઇને જાય છે.

પ્રભાસપાટણ શહેરમાં પણ સફાઇમાં બેદરકારી જોવા મળે છે. ગામના કેટલાક વિસ્તારોમાં તો કચરો એકઠો કરવાનુ ટીપરવાન બિલકુલ જતુ નથી બજારોમાં આવેલ ધોરીયામાં કાગળના ડુચા ભરાઇ રહે છે તે ધોરીયાની પણ પુરતા પ્રમાણમાં સફાઇ થતી નથી અને તેથી ધોરીયા વારંવાર છલકાય છે અને રોડ ઉપર પાણી વહે છે.

તો શહેરના તમામ વિસ્તારોમાં ટીપરવાન જાય અને સાયરન વગાડે જેથી ખબર પડે કે ટીપરવાન આવી ગયેેલ અને ગૃહિણીઓ કચરો નાખે ત્યા સુધી ઉભુ રાખવામાં આવે જેથી કચરો નાખી શકે.

આ પ્રભાસપાટણ સોમનાથ શહેરમાં નગરપાલીકાના સતાધિશો ધ્યાન આપીને સફાઇનો પ્રશ્ન હલ કરે તેવી લોકોની માંગણી છે.

(11:41 am IST)