સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ટંકારા તાલુકા પંચાયત આયોજન સમિતિ દ્વારા રૂપિયા ૧.૧૭ કરોડના વિકાસ કામો મંજુર : લતીપર ચોકડીએ ઓવરબ્રિજ નીચે પાંચ લાખના ખર્ચે સૌચાલય બનાવશે

ટંકારા,તા.૮: ટંકારા તાલુકા પંચાયત આયોજન સમિતિ દ્વારા રૂપિયા ૧.૧૭ કરોડના વિકાસ કામો મંજૂર કરાયેલ છે. લતીપર ચોકડીએ ઓવર બ્રિજ નીચે પાંચ લાખના ખર્ચે સૌચાલય બનાવાશે.

ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પ્રભુલાલ કામરીયાના અધ્યક્ષ સ્થાને આયોજન ની મીટીંગ યોજાયેલ. તેમાં તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલા ,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન શકિતવદનભાઈ ભોરણીયા, જીલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડા, ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણી તથા બાંધકામ શાખાના અધિક ઇજનેરશ્રી ડી. ડી. બેલાડીયા ઉપસ્થિત રહેલ.

વર્ષ ૨૦૨૧ -૨૨નામાટે૧૫%(સામાન્ય) જોગવાઈના કામો માટે રૂપિયા ૯૭.૪૫ લાખ તથા ૧૫% વિવેકાધીન (અંકિત) જોગવાઈ હેઠળ રૂપિયા ૧૫ લાખના કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઈના કામો માટે રૂપિયા ૫ લાખનું આયોજન સર્વાનુમતે મંજુર કરાયેલ છે .

વિકાસ કામોમાં પીવાના પાણી ના કામો,ભૂગર્ભ ગટર, કોઝવે, પેવર બ્લોક, સી. સી. રોડ વગેરે કામો જુદા જુદા ગામોના મંજુર કરેલ છે.

સ્થાનિક ટંકારા માટે લતીપર ચોકડીએ ઓવર બ્રિજ નીચે સૌચાલય બનાવવા માટે રૂપિયા ૫ લાખ, ટંકારા પોલીસ સ્ટેશન સામે વિદ્યાર્થીનીઓ માટે બસ સ્ટેન્ડ છાપરી માટે રૂપિયા ૩ લાખ, પોલીસ લાઈનમાં વનીકરણ માટે ૩.૫ લાખ તથા ભીલ સમાજના સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂપિયા ૨.૫ લાખ મંજુર કરાયેલ છે.

ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારીએ રાજકોટ શહેરમાં ઓવર બ્રિજ નીચે સૌચાલય છે તે રીતે ટંકારા ખાતે પ્રજાને સુવિધા આપવા ઓવર બ્રિજ નીચે સૌચાલય બનાવવાનું આયોજન કરેલ છે. જે મુસાફરો માટે આશીર્વાદ રૂપ બનશે.

(11:33 am IST)