સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

રાજકોટ જીલ્લામાં કોરોના આંકડામાં હજુ પણ લોલમલોલ

૩ દિવસથી સાચા આંકડા સામે આવતા હોવા છતા છુપાવાય છેઃ જસદણ તાલુકામાં ૧૧૭ કેસ સામે આરોગ્ય તંત્રની યાદીમાં માત્ર ૯૫ કેસ બતાવાયા

આટકોટઃ તસ્વીરમાં જસદણ બ્લોક ઓફિસમાંથી કોરોના પોઝીટીવ કેસના આંકડા જે રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગને મોકલાયા તેની યાદી સાથેનો પુરાવો નજરે પડે છે.

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૮ :. આજે ફરી જીલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના કેસના સાચા આંકડા બહાર પાડવાને બદલે રાજકોટ જીલ્લાના માત્ર ૯૫ કેસો જાહેર કર્યા છે, જ્યારે એકલા જસદણ તાલુકામાં જ ગઈકાલના (૨૪ કલાક) ૧૧૭ કેસો જસદણથી જીલ્લામાં નોંધાવેલા છે, પરંતુ જીલ્લા આરોગ્ય તંત્ર સાચા આંકડાઓને હજુ કેમ છુપાવે છે તેવો પ્રશ્ન પુછાય રહ્યો છે. જો કે ત્રણ દિવસથી કોરોનાના સાચા આંકડા સામે આવતા હોવા છતા સ્થાનિક જીલ્લા તંત્ર દ્વારા ચાલતા લોલમલોલ સામે ઉચ્ચ અધિકારીઓ કેમ યોગ્ય કાર્યવાહી નથી કરતા તેવો જીલ્લાભરમાં ગણગણાટ શરૂ થયો છે શું ગાંધીનગરથી જ સાચા આંકડાઓ પ્રસિદ્ધ ન કરવાની સૂચના છે ? તેવો પ્રશ્ન પણ આમ પ્રજામાં પૂછાય રહ્યો છે.

કોરોના મહામારીએ સમગ્ર દેશને અજગરી ભરડામાં લઈ લીધુ છે ત્યારે ગામેગામ રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગ અને વેકસીનેશનની કામગીરી રાત-દિવસ જોયા વગર ચાલુ કરી છે. રાજકોટ જીલ્લામાં પણ આ કામગીરી હાલ વેગવંતી છે ત્યારે જીલ્લામાં આવતા કોરોના પોઝીટીવ કેસોના આંકડા કેમ છુપાવાઈ રહ્યા છે ?

અત્યાર સુધી રાજકોટ શહેરમાં જ કોરોના કેસો વધારે હોવાનું સામે આવતુ રહ્યુ છે પરંતુ માત્ર શહેર નહી જીલ્લામાં પણ કોરોના વિસ્ફોટ થયો છે પરંતુ જીલ્લા આરોગ્ય તંત્ર કોરોનાના સાચા આંકડા છુપાવી રહી છે તેવી ચોંકાવનારી વિગતો રોજ સામે આવી રહી છે. જીલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવાના ખેલના કારણે રાજકોટ જીલ્લો મોરબીથી પણ બદતર બની જવાનો ડર લાગી રહ્યો છે.

હાલની જીલ્લાની સાચી પરિસ્થિતિ મુજબ રાજકોટ જીલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ પડતી ભયાવહ બની ગઈ છે ત્યારે જીલ્લાનું આરોગ્ય તંત્ર કેમ ઉપર સુધી નથી મોકલી રહ્યું ?

રાજકોટ જીલ્લાના મોટા ભાગના તાલુકામાં અને પાલિકા વિસ્તારમાં રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જ તાલુકામાં વધુ કેસો છે ત્યાં કેસો દેખાડે છે જ્યારે અમુક તાલુકામાં અને પાલિકા વિસ્તારમાં સ્થિતિ સામાન્ય હોવાનુ ગાણુ ગાય છે.

જીલ્લા આરોગ્ય તંત્ર કેટલી હદે ખોટી યાદી પ્રસિદ્દ કરે છે તે ગઈકાલના બનાવ ઉપરથી ખ્યાલ આવી જશે.

ગઈકાલે (૨૪ કલાક)માં એકલા જસદણ તાલુકામાં ૧૧૭ કેસો સામે આવ્યા છે જ્યારે જીલ્લાના આરોગ્ય તંત્રએ તેમની યાદીમાં માત્ર ૯૫ કેસો બતાવ્યા છે. જસદણ બ્લોક હેલ્થ ઓફિસમાંથી નોંધાવેલા કેસોની કોપી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જીલ્લાનું આરોગ્ય તંત્ર કેમ ખોટા આંકડાઓ પ્રસિદ્ધ કરે છે તેવો પ્રશ્ન કલેકટરે અને હાલ જીલ્લામાં કોરોનાને નાથવા મુકાયેલા ઉચ્ચ અધિકારીઓ જાણે તો જીલ્લાની સાચી પરિસ્થિતિ સામે આવશે.

પહેલા જીલ્લા આરોગ્ય વિભાગનાં એક ઉચ્ચ અધિકારી કહે તે મુજબ કેસો તાલુકામાંથી નોંધવામાં આવતા હતા પરંતુ ખોડાપીપળની ઘટનામાં પણ કર્મચારીઓને ઘેર બેસવાનો વારો આવતા તાલુકાના બ્લોક ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભય ફેલાય જતા તાલુકામાંથી હવે પોઝીટીવ કેસના સાચા આંકડાઓ જ નોંધાઈ રહ્યા છે. આમ છતા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાચા આંકડા જાહેર નથી થતા.

જો કે જસદણમાં નોંધાયેલા કેસોમાં અમુક કેસો રાજકોટ જીલ્લા બહારના હોય તો એ યાદી જે તે જીલ્લામા ગઈ હોય.

પણ એવા કેટલા હોય ? એકંદરે તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં તો આવે જ છે.

(11:32 am IST)