સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th April 2020

કચ્છમાં કોરોનાના બે વધુ શંકાસ્પદ દર્દીઓઃ માધાપરના પોઝિટિવ કેસને પગલે અન્ય સોસાયટીઓ અને ભુજના આર્મી કેમ્પસમાં તપાસ

મુંબઈ કોરોનાના મૃત દર્દીના બેસણામાં ગયેલા ભચાઉના યુવાનને ચેકપોસ્ટ ચેકીંગ દરમ્યાન કોરોના જેવા લક્ષણો દેખાતા તંત્ર ધંધે લાગ્યું

ભુજ,તા.૮: કચ્છમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દીઓ દેખાતાં હજીયે કોરોનાનો ભય યથાવત રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે રાપર તાલુકાના આડેસરના ૬૨ વર્ષીય વૃદ્ઘ અને કડોલ (ભચાઉ)ના ૧૯ વર્ષીય યુવાનને કોરોના જેવા લક્ષણો દેખાતા બન્નેના સેમ્પલ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. કડોલનો યુવાન મુંબઈ મધ્યે કોરોનાથી અવસાન પામેલા તેમના સગાના બેસણામાંથી પરત આવ્યો હોઇ એ દર્દીએ આરોગ્યતંત્રની ચિંતા વધારી છે. વળી, આ યુવાન સુરજબારી ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન તેની તબિયત અસ્વસ્થ જણાતાં તેને આરોગ્યતંત્રએ ત્યાંથી ભુજ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બીજી તરફ માધાપરની ક્રિષ્ના સોસાયટીમાં કોરોનાનો પોઝિટિવ કેસ નીકળ્યા પછી માધાપર પોલીસ ચોકી, મઢુલી ચોક ના રહેણાંક વિસ્તાર અને ભુજ આર્મી કેમ્પસમાં આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ હતી. જેમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. તો, ગઈકાલે એક દિવસમાં ૧૦૯૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું હતું. જયારે વધુ ૪૨ જણાને કવોરેન્ટાઈન કરાયા છે. કચ્છમાં ૯૮% વસ્તીનો સર્વે થઈ ગયો હોવાનો આરોગ્યતંત્રએ દાવો કર્યો છે.

(12:34 pm IST)