સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

મોહનભાઈ કુંડારિયા મને મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશેઃ જીતુભાઈ સોમાણી

નગરપાલિકામાં ડમી ઉમેદવાર મુદ્દે વિવાદ વકર્યા બાદ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને નોટીસ આપ્યા બાદ જીતુભાઈ સોમાણીએ મોરબી ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાને નોટીસનો જવાબ આપ્યો : ભાજપ દ્વારા ડમી તરીકે કોને ફોર્મ ભરવું અને કોને ન ભરવું ? તેવી કોઈ ગાઈડલાઈન જાહેર થઈ નથીઃ માળીયામિંયાણામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૪ ઉમેદવારોને ભાજપે નિયમ વિરૂદ્ધ ટીકીટ આપી'તીઃ નોટીસ આપવી તે ભાજપના બંધારણ વિરૂદ્ધઃ વાંકાનેરના ભાજપ અગ્રણી અને નગરપાલિકામાં ભવ્ય વિજય અપાવનાર અગ્રણીના ભાજપ સામે પ્રહારો

રાજકોટ, તા. ૮ :. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીએ ડમી તરીકે ફોર્મ ભર્યા બાદ અન્ય ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા ડમી તરીકે તેઓ ચૂંટણી લડયા હતા અને વાંકાનેર પાલિકામાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. જીતુભાઈ સોમાણી ભાજપના નવા નિયમ મુજબ ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય તેમજ ત્રણ ટર્મ કરતા વધુ સમયથી સદસ્ય તરીકે કાર્યરત હોવાથી તેની સામે મોરબી ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યુ હતુ. જે અંગે જીતુભાઈ સોમાણીએ ધગધગતા આક્ષેપો સાથે જવાબો રજૂ કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ફોર્મ ભરવું અને કોને ન ભરવું ? તેવી કોઈ ગાઈડલાઈન નથી. આ ઉપરાંત વાંકાનેર-રાતીદેવડી જિલ્લા પંચાયતના ઉમેદવાર સેરસીયા ઝહીરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા સેરસીયા યુસુફભાઈએ ફોર્મ ભર્યુ હતુ જેની ઉંમર ૬૦ વર્ષથી વધુ હતી. આ ઉપરાંત માળીયામિંયાણા પાલિકામાં પણ ભાજપના ૪ ઉમેદવારો ૬૦ વર્ષથી વધુ ઉંમરના હતા.

જીતુભાઈ સોમાણીએ વધુમાં જણાવ્યુ છે કે ઉમેદવારના ફોર્મ જિલ્લા ભાજપ, શહેર ભાજપ સંગઠન અને લીગલ સેલ દ્વારા ભરવામાં આવતા હોય છે. જો ત્યારે કોઈ ખામી દેખાય તો સુધારી લેવી જોઈએ, નહિ કે ખોટા આક્ષેપો કરીને જવાબદારીમાંથી છટકી જવું.

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને નોટીસ આપી છે તે ભાજપના બંધારણ વિરૂદ્ધ છે. આ અંગે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ હું જાણ કરીશ.

જીતુભાઈ સોમાણીએ વધુમા જણાવ્યુ કે, વાંકાનેર શહેર સંગઠન સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યુ છે. વાંકાનેર શહેર સાથે એક પણ વખત સંકલન કરાયુ નથી તો પાલિકામાં ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારી નથી ?

જીતુભાઈ સોમાણીએ ધગધગતા આક્ષેપો કરતા જણાવ્યુ છે કે મોરબી જિલ્લામાં મોહનભાઈ કુંડારિયાએ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેન પારેખને ધમકી આપી હતી કે જડેશ્વર પણ નહિ પહોંચ, તારા ટાંટીયા ભાંગી નાખીશ. આ ઉપરાંત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ ધમકી આપી હતી. મને પણ ભય છે કે તેઓ મને પણ કયારે મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેમ જીતુભાઈ સોમાણીએ અંતમાં જણાવ્યુ હતું.

જીતુભાઈ સોમાણીએ વધુમાં જણાવ્યુ કે હું લોહાણા સમાજમાંથી આવુ છું, અમારા સમાજની વસ્તી ખૂબ જ ઓછી છે. મારો સમાજ મને રાજકીય પ્રતિનિધિત્વ આપે છે ત્યારે મોહનભાઈ કુંડારિયા કિન્નાખોરી રાખે છે અને લોહાણા સમાજને ખત્મ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ૨૦૨૦માં પણ ધારાસભાની પેટાચૂંટણીમાં કાંતિલાલ અમૃતિયાએ ભાજપ વિરૂદ્ધ કામ કરેલ છે તેમ છતા તેમની સામે કોઈપણ પગલા ભરાયા નથી.

(4:23 pm IST)