સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

અમરેલીમાં રાધેશ્યામ બાયપાસથી ગાવડકા ચોકડી સુધીના રસ્તાનું કામ શરૂ કરાવતા નારણભાઇ કાછડીયા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા., ૮: નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા હસ્તકનો અમરેલી રાધેશ્યામ બાયપાસથી ગાવડકા ચોકડી સુધીના માર્ગ જર્જરીત હોવાને લીધે વાહન ચાલકો અને લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી જે અંગે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી તાત્કાલીક પેચવર્કનું કામ મંજુર કરાવી ચાલુ કરાવેલ છે.

મહુવા-સાવરકુંડલા-અમરેલી-બગસરા-જેતપુર માર્ગને નેશનલ હાઇવે તરીકેની સરકારશ્રી તરફથી મંજુરી મળતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકનો અમરેલી રાધેશ્યામ બાયપાસથી ગાવડકા ચોકડી સુધીનો રોડ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાને સોંપવામાં આવેલ. જેના લીધે જીલ્લાના અન્ય માર્ગોના પેચવર્ક કામ સમયે આ ટુકડો બાકી રહી જવા પામેલ હતો.

સાંસદ નારણભાઇ કાછડીયાએ એન.એચ.એ.આઇ.ના કાર્યપાલક ઇજનેર શ્રી પટેલ અને નાયબ ઇજનેરશ્રી સોલંકીને જરૂરી સુચનાઓ આપી તાત્કાલીક રાધેશ્યામ બાયપાસથી ગાવડકા ચોકડી સુધીના જર્જરીત રોડ ઉપર પેચવર્ક કામ ચાલુ કરાવેલ છે.

(1:12 pm IST)