સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

કચ્છના પોસ્ટ કૌભાંડમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને આસી. પોસ્ટ માસ્તર રાઠોડ પોલીસના શરણે

કચ્છના પોસ્ટ સુપ્રી.નો ચાર્જ સુરેન્દ્રનગરના કમલેશ ઠક્કરને, ૮થી ૧૦ કરોડના બચત કૌભાંડમાં પોલીસ અને પોસ્ટલ વિભાગની ધીમી કાર્યવાહી વચ્ચે ગ્રાહકો ચિંતાતૂર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૮:  કચ્છ સહિત ગુજરતભરમાં ચકચારી બનેલા ભુજના પોસ્ટ કૌભાંડમાં આરોપી સચિન ઠકકર પોલીસ સ્ટેશનમાં થી નાસી છૂટયા બાદ ઝડપાયો અને ત્યારબાદ હરકતમાં આવેલી પોલીસ સમક્ષ અનેક દિવસો સુધી હાથતાળી આપી રહેલ આરોપી સચિનની પત્ની પ્રજ્ઞા ઠકકરને ગણત્રીના કલાકોમાં જ સામેથી હાજર થઈ ગઈ. તેની સાથે અન્ય આરોપી આસી. પોસ્ટ માસ્તર બી.આર. રાઠોડ પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા.

ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા તેમ જ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ બચત સ્કેમમાં કરાઈ રહેલી ધીમી ગતિની કામગીરીએ લોકોમાં ચર્ચા સાથે અનેક સવાલો સજર્યા છે. જોકે, આરોપી સચિન ઠકકર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપ માંથી નાસી છૂટયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસની શાખ સામે પ્રશ્ન ઊભો થયો હતો. અંતે ડીએસપી સૌરભસિંઘે આ અંગે તપાસના આદેશો આપ્યા બાદ દિવસો સુધી પોલીસને હાથતાળી આપનાર આરોપીઓ અંતે હાજર થવા મજબૂર બન્યા. જોકે, કચ્છમાં પોસ્ટલ બચતમાં આટલા મોટું કૌભાંડ થયા પછી પણ પોસ્ટલ સુપ્રી. ની જગ્યા ભરાઈ નથી અને ઇન્ચાર્જ દ્વારા ચલાવાય છે. અત્યારે ચાર્જ સુરેન્દ્રનગરના સુપ્રી. કમલેશ ઠકકર પાસે છે.

અહીં પ્રશ્ન એ જ છે કે, પોસ્ટ બચત એજન્ટ દંપતી સચિન અને પ્રજ્ઞા ઠકકર ઉપર લોકો પોસ્ટ વિભાગના કારણે ભરોસો મૂકી પોતાની મહામૂલી બચત નું રોકાણ કરે અને બચતના રૂપિયા પોસ્ટમાં મૂકવાને બદલે એજન્ટ જ પરબારા જમી જાય એ ઘટના પોસ્ટ વિભાગની શાખ માટે ચિંતાજનક અને બચતધારકો માટે આઘાતજનક છે. ત્યારે આ પ્રકરણમાં પોસ્ટ વિભાગે કડકાઈપૂર્વક તપાસ કરી સચ્ચાઈ બહાર લાવવાની જરૂરત છે. આ કૌભાંડમાં શરૂઆતમાં ૩૪ લાખ ની ફરિયાદ બાદમાં સવા કરોડ ઉપર પહોંચી. પણ, તેનો આંકડો ૮ કરોડ જેટલો મોટો હોવાનું અગાઉના પોસ્ટલ સુપ્રી. કહી ચૂકયા છે. જયારે પોસ્ટ વિભાગના વર્તુળો ની ઘુસપુસ પ્રમાણે આ આંકડો ૮ કરોડથી પણ વધુ ઉપર હોઈ શકે છે. જોકે, આ સમગ્ર મામલો તપાસનો વિષય છે.

(12:08 pm IST)