સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર એક પોલીસ કર્મી ઝડપાયો : ત્રણ હજી ફરાર

ઝડપાયેલા કપિલ દેસાઇના ઘરેથી દારૂ અને દોઢ લાખ રૂપિયા મળ્યા હતા : તહોમતદાર ચાર પોલીસ કર્મી મોટા વહીવટદાર હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૮:  સમાઘોઘા ગામના ત્રણ ગઢવી યુવાનોને ગેરકાયદેસર ચોરીના આરોપસર મુન્દ્રા પોલીસ દ્વારા કસ્ટડીમાં ગોંધી ક્રૂરતાપૂર્વક માર મરાતા બે યુવાનોના મોત નીપજયા હતા. આ પ્રકરણમાં ભાગેડુ પોલીસ કર્મી કપિલ દેસાઈ પોલીસમાં હાજર થતાં તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપી પોલીસ કર્મી કપિલ દેસાઈના ઘેર પોલીસે દરોડો પાડી દારૂની બોટલો તેમ જ દોઢ લાખ રૂપિયા ઝડપ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર ૬ પોલીસ કર્મીઓ અને ત્રણ જીઆરડીના જવાનો તેમ જ સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ સામે ગુનો નોંધાયો હતો.

સમાજના બબ્બે નિર્દોષ યુવાનોના મોતને પગલે ગઢવી સમાજમાં ફાટી નીકળેલાં આક્રોશને પગલે પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને કસૂરવાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધ્યો હતો. જોકે, આ દરમ્યાન મોટો ખુલાસો થયો હતો કે આ યુવાનોને જમીન પ્રકરણ સબંધે સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાના ઇશારે પોલીસે પકડી ગેરકાયદે ગોંધી તેમના ઉપર મુન્દ્રા પોલીસે ત્રાસ ગુજાર્યો હતો. હજીયે આ પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મીઓ શકિતસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા અને અશોક કન્નડ ફરાર છે. અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવી દ્વારા ભાગેડુ પોલીસ કર્મીઓને ઝડપી પાડવા અને તમામ દોષિતોને આકરી સજા અપાવવા રજૂઆત કરાઈ છે. જોકે, ચર્ચાતી હકીકતો મુજબ મુન્દ્રા પોલીસમાં આ ચારેય પોલીસ કર્મીઓ વહીવટદાર તરીકે વહીવટ ચલાવતા હતા.

(11:13 am IST)