સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

કચ્છના રબારી પરિવારે પોતાના દોઢ વર્ષના દિકરાને નાથ પરંપરાની ગાદીને અર્પણ કર્યો

કચ્છની થાન જાગીરે દાદા ધોરમનાથના ચરણોમાં ગાદીપતિ સોમનાથ દાદાને દોઢ વર્ષનો બાળ ઘનશ્યામ અર્પણ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬:  કચ્છનો ધીણોધર ડુંગર દાદા ધોરમનાથના સ્થાન તરીકે શ્રધ્ધા અને આસ્થાનું પ્રતીક છે. ભુજ નખત્રાણાના રસ્તે નિરોણા ગામ નજીક આવેલ ધીણોધર ડુંગર થાન જાગીર તરીકે ઓળખાય છે.

અહીં નાથ સંપ્રદાયના દાદા ધોરમનાથના બેસણા છે. અત્યારે ધીણોધર જાગીર મધ્યે વર્તમાન ગાદીપતિ મહંત દાદા સોમનાથની પ્રેરણાથી શ્રીમદ ભાગવત કથા ચાલી રહેલ છે. જેમાં નખત્રાણા તાલુકાના ભીમપુરા ગામના ખાંભલા રાજા ગાભા રબારી અને તેમના પત્ની વલુબેન રાજા રબારીએ પોતાના દોઢ વર્ષના પુત્ર ઘનશ્યામને થાન જાગીરના ગાદીપતિ સોમનાથદાદાને અર્પણ કર્યો હતો.

આ વેળાએ માતાપિતાના ચહેરા ઉપર ભારે હરખ હતો. પિતાના જણાવ્યા પ્રમાણે તેમને સંતાનોમાં ત્રણ પુત્ર, બે પુત્રીઓ છે. જેમાં નાના દીકરાના જન્મ પહેલાં તેને નાથ સંપ્રદાયને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. જે સિધ્ધ કરતાં તેમણે પુત્રને સંતો મહંતોની હાજરીમાં સોંપ્યો ત્યારે આદેશનાથજીના નાદથી કથા મંડપ ગુંજી ઉઠ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રબારી સમાજના મોવડીઓ અને સંતો મહંતોએ પુત્ર અર્પણ કરી સનાતન ધર્મ જાગૃત રાખવાની માતા પિતાની પહેલને બિરદાવી હતી. કચ્છની થાન જાગીર મધ્યે વર્ષોથી નાથ પરંપરાની ધજા ફરકે છે.

વર્તમાન મહંત સોમનાથદાદાએ સતત ૧૨ વર્ષ નવરાત્રિ દરમ્યાન એક પગે ઊભા રહીને અડગ તપસ્યા કરી છે. રબારી પરંપરામાં પુત્રને ધર્મસ્થાન, સાધુ અને ગૌવંશની સેવામાં અર્પણ કરવાની પરંપરા રહી છે.

(10:20 am IST)