સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

રેઝોનન્સ ટયુશન કલાસીસ સામે જૂનાગઢમાં રૂ. ૧૬.૯ર લાખના વિશ્વાસઘાતની ફરીયાદ

ટયુશન ફી પેટે મસમોટી રકમ ઉઘરાવીને ફરાર

જુનાગઢ, તા. ૮ : જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ મેરીઓટ પ્લાજા ખાતે રેઝોનન્સ ટયુશન કલાસીસ શરૂ થયેલ. રાજસ્થાનના કોટા શહેરમાં મુખ્ય શાખા ધરાવતા આ ટયુશન કલાસીસમાં ધો. ૧૧-૧ર સાયન્સના ટયુશન માટે જૂનાગઢના અનેક વાલીઓએ તેમના બાળકો માટે મસમોટી ફી ભરીને એડમિશન લીધું હતું.

ફી ભર્યાની પાકી પહોંચને બદલે કાચી પહોંચ આપવામાં આવેલ અને થોડા સમય અગાઉ કલાસીસના સંચાલકોએ કલાસીસને તાળા લગાવી દીધા હતાં.

આમ અનેક વિદ્યાર્થીઓ રઝળી પડતા વાલીઓ એસપી સૌરભસિંઘ પાસે રજુઆત માટે દોડી ગયા હતાં.

દરમ્યાનમાં ગઇકાલે રાત્રે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મનીષભાઇ કનકરાય ટોલીયાએ રેઝોનન્સ ટયુશન કલાસીસના કોટા ખાતેના વાઇસ પ્રેસીડેન્ટ કિર્તીસિંગ સોનગરા તથા રાજકોટ સેન્ટરના રીપુ સીંગલા, યતીશ પાટીદાર તેમજ શ્રેયાસ ઠાકરશીભાઇ સિણોજીયા સામે ફરીયાદ નોંધાવી હતી.

જેમાં આ શખ્સોએ જૂનાગઢમાં રેઝોનન્સ ટયુશન ચાલુ કરી અને ટયુશન ફી પેટે મસમોટી રકમ લઇ બાદમાં કલાસીસ બંધ કરી નાસી જઇ રૂ. ૧૬ લાખ ૯ર,૧૦૦ની રકમ વાલીઓ પાસેથી મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી સંતાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યાની ફરીયાદ થઇ છે.

બી-ડીવીઝન પોલીસે ચારેય શખ્સો સામે કલમ ૪૦૬,૪ર૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીઆઇ આર.બી. સોલંકી ચલાવી રહ્યા છે.

(12:54 pm IST)