સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

રાજયના યુવાનોને રોજગારી માટે સરકારનો ધ્યેયઃ 'હર હાથ કો કામ' નો છેઃ બાવળીયા

સુરેન્દ્રનગરમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં યુવાનોને ઓર્ડર અપાયા

સુરેન્દ્રનગર, તા.૮: સુરેન્દ્રનગર સ્થિત એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુસર યોજાયેલ આ કેમ્પમાં ૫૦૯ જેટલી જગ્યાઓ માટે  ૬૪  જેટલા નોકરીદાતાઓ ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોદ્યન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજયના દરેક યુવાનને રોજગારી મળે તે માટે રાજય સરકારે  'હર હાથ કો કામ'નો અભિગમ રાખ્યો છે.

તેમણે આ તકે ઉપસ્થિત યુવાનોને નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરી કુશળતાપૂર્વક આગળ વધવા અનુરોધ કર્યો હતો.   

આ તકે ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે ઉદ્યોગ ગૃહો માટે કુશળ માનવ બળની જરૂરિયાત ઉપર ભાર મુકી જણાવ્યું હતું કે, કોઈપણ કંપની કે ઓફિસ માત્ર મશીનથી નથી ચાલતા તમામને ચલાવવા માટે કુશળ આવડત ધરાવતા ઉમેદવારની જરૂર પડે છે.

આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કોલેજમાં પ્રથમ વર્ષે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં રોજગાર વિનયમય કચેરીના અધિકારીશ્રી જે.ડી. જેઠવા, એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી હિંમતભાઈ ભાલોડીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ કોલેજના  પ્રિન્સીપાલશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વિવિધ કંપનીના નોકરીદાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા.

(12:52 pm IST)