સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ભાવનગરઃ સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

ભાવનગર, તા. ૮ :. ભાવનગર જિલ્લાના મહુવામાં ૧૪ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે.

આ બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગઈ તા. ૨૫-૫-૨૦૧૭ના રોજ એવા મતલબની ફરીયાદ નોંધાયેલ કે મહુવામાં રહેતા ઝહીર અબ્બાસ મહેબુબઅલી રાજાણી (ઉ.વ. ૩૬)એ ધો. ૬માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાવા પામેલ હતી. જેનો કેસ આજે સ્પે. પોકસો જજ એમ.એસ. સિંધીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મૌખિક તથા દસ્તાવેજી પુરાવાના આધારે તથા સરકારી વકીલ અરવિંદભાઈ એચ. સોલંકીની દલીલોને ધ્યાને લઈ આરોપી ઝહીર અબ્બાસ રાજાણીને જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૨૦ હજારનો દંડ ફટકારેલ છે. જેમાંથી રૂ. ૧૦ હજાર ભોગ બનનારને ચુકવવા હુકમ ફરમાવેલ છે.

(11:47 am IST)