સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

કચ્છ ભાજપનું 'નાક' બચ્યું : ખુદ પ્રમુખ એપીએમસીમાં એક મતે જીત્યા

કચ્છ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ : ખુદ જિલ્લા પ્રમુખને એપીએમસીની ચૂંટણીમાં હરાવવા પ્રયાસઃ પક્ષની આબરૂના ધજાગરા વચ્ચે એક મતથી જીત્યા, વિરોધપક્ષની જરૂર કયાં ? ખેતીવાડી અધિકારીની ગેરહાજરીએ દર્શાવ્યું કચ્છ ભાજપમાં બે જૂથો વચ્ચે ચાલતી સમાંતર 'સત્તા'

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : નર્મદાના પાણી મુદ્દે રજુઆત માટે સરકાર સમક્ષ કચ્છ ભાજપના ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા નિહાળીને ભાજપના વરિષ્ઠ સદસ્ય અને પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ જો, હવે નર્મદાનું સિંચાઈનું પાણી નહીં મળે તોઙ્ગ કચ્છી પ્રજા અમને માફ નહીં કરે, એવો બળાપો વ્યકત કર્યો હતો. ત્યારબાદ પૂર્વ રાજયમંત્રી અને વરિષ્ઠ ભાજપ અગ્રણી તારાચંદ છેડાએ ભુજ એપીએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખને હરાવવાના થયેલા પ્રયાસને પક્ષની આબરૂના ધજાગરા સમાન ગણાવ્યું છે. જોકે, કચ્છ ભાજપમાં ચાલતા જૂથવાદને ડામવામાં નિષ્ફળ રહેલા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સુધી જૂથવાદનો રેલો પહોંચ્યો હતો. જોકે, આ રાજકીય ઉથલપથલમાં કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે ભાજપમાં સત્ત્।ાની સાઠમારી જોવા મળી હતી અને માંડ માંડ પ્રમુખે પોતાનું 'નાક' બચાવ્યું હતું.ઙ્ગ

ભુજ એપીએમસીના ચેરમેનની ચૂંટણીમાં કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલની સામે ભાજપના અન્ય જૂથ વતી નારાણ કારા ડાંગરે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, કચ્છમાં એપીએમસીની અને અન્ય ચૂંટણીઓમાં જે રીતે કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે ભાજપના જ બે જૂથો વચ્ચે રાજકીય જંગ છેડાય છે. એવું જ મુન્દ્રા એપીએમસી પછી ભુજ એપીએમસીમાં ભાજપના જ બે જૂથો સામસામે આવી ગયા હતા. જોકે, અત્યાર સુધી કચ્છમાં તાલુકા કક્ષાએ જૂથવાદ ડામવામાં નિષ્ફળ રહેલા ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ સુધી જૂથવાદનો રેલો પહોંચ્યો હતો. જેમાં પ્રમુખે માંડ માંડ એક મતથી જીતીને પોતાનું તેમ જ પક્ષનું 'નાક' બચાવ્યું હતું.

કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે કચ્છ ભાજપમાં સમાંતર સત્તા ચલાવતા બે જૂથો વચ્ચે જ આ જંગ ખેલાયો હતો. કુલ ૧૬ માંથી ૧૫ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ તરફી ૮ અને સામે ૭ મત પડ્યા હતા. આમ માંડ માંડ એક મતે જીત થતા ભાજપ સંગઠનની લાજ રહી થતી. જોકે, સૌથી વધુ ચર્ચાનું કારણ ખેતીવાડી અધિકારીની ગેરહાજરી હતી. તેમનો મત પડ્યો નહોતો. શાસક પક્ષ ભાજપના જિલ્લા પ્રમુખ માટે મહત્વની ચૂંટણીમાં સરકારી અધિકારી સામા પક્ષના ઈશારે ગેરહાજર રહ્યા હોવાની ચર્ચાએ માહોલમાં ગરમાટો આણ્યો હતો.

તેનું કારણ ભાજપના જ ધારાસભ્યો તેમ જ મોટા 'માથા' ગણાતા આગેવાનો હતા. હવે ખુદ પોતાના પક્ષના પ્રમુખને હરાવવા માં કોને રસ હતો તે વિશે કચ્છ ભાજપમાં તો બધા જ જાણે છે, પણ 'ઉપરવાળા'ની બંધ આંખો સામે બધાની નજરોમાં સવાલ છે.

એકંદરે જિલ્લા સંગઠન પણ જૂથવાદ સામે સ્પષ્ટ રજુઆત કરવામાં અને ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ સામે સંગઠનની શકિત બતાવવામાં, પક્ષના વરિષ્ઠ આગેવાનોને સાચવવામાં નિષ્ફળ રહ્યું છે. કચ્છ ભાજપમાં છેલ્લા ૪ વર્ષથી કેશુભાઈ પટેલ પ્રમુખ છે.

(11:43 am IST)