સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

સિંહને થયો સિંહણ સાથે પ્રેમ : છેલ્લા ૧ વર્ષથી રાજુલાથી સાવરકુંડલા જાય છે મળવા

સિંહ પોતાના ૩ મિત્રો સાથે ૫૦થી ૬૦ કિમીનું કાપે છે અંતર : મિત્ર ત્રણ સિંહ કબાબમાં હડ્ડી નથી બનતા

રાજકોટ તા. ૮ : ૧૪ ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે, ગઈકાલથી એટલે કે ૭ ફેબ્રુઆરીથી 'રોઝ ડે' સાથે વેલેન્ટાઈન વીકની શરૂઆત પણ થઈ ગઈ છે. આ અઠવાડિયું એવું હોય છે જયારે પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા માટે તલપાપડ થઈ જતો હોય છે. એવું કહેવાઈ છે કે જેના માથે પ્રેમનું ભૂત ચડ્યું હોય તે તો પ્રિયજનને મળવા માટે સાત સમુદ્ર પાર પણ જઈ શકે છે.

જો કે, પ્રેમમાં પડેલા એક યુવાન સિંહને સાત સમુદ્ર પાર કરવાની જરૂર પડી રહી નથી. તે પંદર દિવસમાં એકવાર પોતાના ત્રણ સિંહ મિત્રો સાથે રાજુલાથી ૫૦થી ૬૦ કિમીના અંતરે આવેલા સાવરકુંડલા પાસે એક સિંહણને મળવા માટે જાય છે. આશ્યર્ય ઉપજાવે તેવી આ ઘટનાનું નિરીક્ષણ સિંહ ટ્રેકર્સ અને રાજુલા તેમજ સાવરકુંડલાના સ્થાનિકો દ્વારા છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ચારેય સિંહોની ઉંમર આશરે ૪દ્મક ૫ વર્ષ છે અને તેમણે ભાવનગર જિલ્લા સહિતના કેટલાક ભાગોમાં પોતાનું વર્ચસ્વ જમાવીને રાખ્યું છે. સિંહણ સાથે કવોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે સિંહ રાજુલા પાસે આવેલા ડુંગર ગામથી છેક સાવરકુંડલા પાસે આવેલા અંબારડી ગામમાં જાય છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

'સૌથી રસપ્રદ વાત એ છે કે કે અન્ય ત્રણ સિંહ 'કબાબમાં હડ્ડી' બનવા માગતા ન હોય તેમ પોતાના મિત્રને સિંહણ સાથે ટાઈમ પસાર કરવા દે છે,' તેવું અમરેલીના લાયન ટ્રેકરે કહ્યું, જેઓ વન વિભાગમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે.

શેત્રુંજી રેન્જના નાયબ વન્ય સંરક્ષક (DCF) સંદીપ કુમારે કહ્યું કે, 'સામાન્ય રીતે તેવું જોવા મળે છે કે જયારે તેઓ નાના હોય છે ત્યારે ત્રણ-ચાર સિંહોની વચ્ચે સારૃં બોન્ડિંગ જોવા મળે છે. તેઓ સાથે નવા ક્ષેત્રમાં જાય છે અને મોટા વિસ્તારોમાં ફરે છે. પરંતુ આ ફ્રેન્ડશિપ લાંબા સમય સુધીની હોતી નથી. આ પ્રક્રિયા દરમિયાન તેઓ સિંહણ પણ શોધી લે છે.'

ચારેય સિંહો મૂળ ગીર (પૂર્વ)ના ધારી રેન્જમાં આવતા પાટડાના છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ રાજુલા પાસેના ડુંગર ગામમાં સ્થાયી થયા છે.

વન વિભાગના ટ્રેકર્સે ચારેયના વર્તણૂકની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેમનો આતંક એટલો છે કે આ વિસ્તારમાં તેમને નજીક આવતા જોઈને અન્ય સિંહો પણ પલાયન થઈ જાય છે. હકીકતમાં તેઓએ ભાવનગર જિલ્લાના મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોતાનું શાસન જમાવ્યું છે.

(11:40 am IST)