સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

લખતર તાલુકાના અનેક ગામોમાં પાકવિમાની અપૂરતી રકમ મળતા વિરોધ પ્રદર્શન

ખેતીવાડી અધિકારીની ઓફિસમાં હલ્લાબોલઃ ૮ થી ૧૦ ગામના ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા

વઢવાણ,તા.૮: લખતર તાલુકાના ખેડુતો અને સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ સમગ્ર રાજય સાથે જિલ્લાના લખતર તાલુકાના અંદાજે ૪૦થી વધુ ગામોના ખેડુતોએ રાબેતા મુજબ પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિવૃષ્ટિ અને કમૌસમી વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ખેડુતોના પાક નિષ્ફળ ગયાં હતાં અને પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની પહોંચી હતી ત્યારે આ નુકશાની બાદ ખેડુતોએ નિયમ મુજબ પાકવિમો તેમજ વળતર માટે અરજી કરી હતી.ઙ્ગ

લખતર તાલુકાના ખેડુતોએ કરેલ અરજી સામે માત્ર અમુક ખેડુતોને જ પાકવિમાની રકમ ચુકવવામાં આવી છે ખેડુતોએ કરેલ પાકો માટે નિયમ મુજબનું પ્રિમીયમ ખેડુતોના ખાતામાંથી કાપી લેવામાં આવ્યું હતું પરંતુ વિમા કંપની દ્વારા ખેડુતોને નજીવી રકમનો પાક વિમો ચુકવવામાં આવ્યો છે.

જયારે એક જ ગામમાં બાજુ બાજુમાં રહેલ બે ખેતરોમાં નુકશાની અંગેના સર્વેમાં પણ વિસંગતતા જોવા મળી હતી અને એક જ ગામમાં હોવા છતાં અમુક ખેડુતોને પાકવિમાની રકમ ન મળી હોવાનો આક્ષેપ કર્યો હતો.ઙ્ગ

અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં લખતર તાલુકાના ૧૦ થી ૧૨ ગામોના ખેડુતો સહિત સરપંચો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમટી પડયાં હતાં અને ખેતીવાડી અધિકારીની ચેમ્બરમાં બેસી ધરણાં કરી ઉગ્ર રજુઆતો કરી હતી. આ તકે લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ અજયસિંહ રાણા સહિત આસપાસના ગામોના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો સહિત ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ઙ્ગ

ખેડુતોએ રાજય સરકાર સહિત વિમા કંપની સામે રોષ દાખવ્યો હતો અને તાત્કાલીક લખતર તાલુકાના તમામ ગામોના ખેડુતોને પુરતી વિમાની રકમ ચુકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

લખતરના અનેક ગામોના ખેડુતોને પાકવિમાની પુરતી રકમ ન મળતાં અથવા એકપણ રકમ ન મળતાં હલ્લાબોલ કર્યો હતો જયારે ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદી સહિત વિમા કંપનીના જવાબદાર કર્મચારીઓનો સંપર્ક કરતાં તેઓની પાસે પણ ખેડુતો સાથે થયેલ અન્યાય અને પાકવિમાની રકમ અંગે કોઈ જ સ્પષ્ટ માહિતી નહોતી અને અસ્પષ્ટ જવાબો આપ્યાં હતાં.

લખતર તાલુકાના સદાદ, ઓળક, ડેરવાળા, મોઢવાણા, કડું, ઝમર સહિત અનેક ગામોના ખેડુતોને પાકોના નુકશાની અંગે પાકવિમાની રકમ ન મળતાં રોષ જોવા મળ્યો હતો તેમજ સર્વેની કામગીરીમાં ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અનેક રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં મોટીસંખ્યામાં ખેડુતો અને ગામોના સરપંચો જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમટી પડયાં હતાં અને જિલ્લા ખેતીવાડી અધિકારીની ચેમ્બરમાં બેસી હલ્લાબોલ કર્યો હતો.

(1:03 pm IST)