સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

કેશોદમાં વેપારીને મૂર્ખ બનાવી રૂ.૪.૭૪ લાખના થેલાની ચીલઝડપ કરનાર ત્રિપુટીની શોધખોળ

માવો ખાવાનું કહીને પરાક્રમ કરી ગયા

જૂનાગઢ, તા.૮: કેશોદમાં ગઇકાલે સવારનાં પહોરમાં વેપારીને મૂર્ખ બનાવી રૂ.૪.૭૪ લાખનાં થેલાની ચીલઝડપ કરી જનાર ત્રિપુટીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કેશોદમાં મધુસુદન નગરમાં રહેતા પટેલ વેપારી મનસુખભાઇ ગાંગાભાઇ રાંક (ઉ.વ.૫૮) ગઇકાલે સવારના ૬.૩૦ કલાકે સાગર ચેમ્બરમાં આવેલ તેમની મનીષ પાન નામની દુકાન ખોલતા હતા.

ત્યારે એક અજાણયો ૨૦ થી ૨૨ વર્ષનાં શખ્સો આવીને માવો ખાવાનું કહી મનસુખભાઇની નજર ચુકવી તેમનો દુકાનના ઓટલા પર રહેલ રૂ.૪.૭૨ લાખની રોકડ તેમજ રૂ.૨૫૦૦નાં મોબાઇલ સાથેનો થેલો ઉઠાવીને અન્ય બે શખ્સો સાથે બાઇક પર બેસીને નાસી ગયો.

ચીલઝડપથી આ વૃધ્ધ હાફળા ફાફળા થઇ ગયા હતા. વેલી સવારે અંધકાર હોય તેથી માવો ખાવાનું કહી પરાક્રમ કરીને નાસી ગયેલ શખ્સોના ચહેરા કે મોટર સાયકલનાં નંબર જોઇ શકયા ન હતા.

આ અંગેની જાણ થતા પોલીસે કેશોદમાં કોમ્બીંગ કર્યુ હતું પરંતુ કંઇ હાથ લાગ્યુ ન હતું.પી.એસ.આઇ.એચ.કે. લાલકાએ ચીલઝડપનો ભેદ ઉકેલવા કમર કસી છે.

(1:02 pm IST)