સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 'કૈલાસ કુંભ' કાર્યક્રમ

કૈલાસ માન સરોવરની યાત્રા કરનારા ભાવિકો એકત્ર થશેઃ અનુરાધા પૌડવાલની ભજન સંધ્યાઃ શુક્ર-શની બે દિવસીય આયોજન

વેરાવળ-પ્રભાસ પાટણ ,તા .૮:પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ ખાતે અનોખા કૈલાસ કુંભ'નું આયોજન કરવામાં આવ્યું છે. જયાં ૧૨૦૦થી વધુ કેલાસ-માનસરોવર યાત્રા કરી ચૂકેલા શ્રદ્ઘાળુઓ એકત્રિત થશે. તા.૧૦ અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આવું વિશિષ્ટ આયોજન થઈ રહ્યું છે. આ અંગે વિગતો આપતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી -સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવ્યું છે કે

કૈલાસ પરિવાર દ્વારા અખિલ ભારતીય સ્તરે સૌપ્રથમ આયોજન થઈ રહ્યું છે કે જયાં સમગ્ર દેશનાં રાજયોમાંથી કૈલાસ-માનસરોવરની યાત્રા કરી હોય તેવા શિવભકતો ભેગા થશે.સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. બીજા દિવસે કેલાસ-માનસરોવરની પ્રતિકૃતિ ઊભી કરીને ત્યાં મહાઆરતી થશે અને સુપ્રસિદ્ઘ ગાયિકા અનુરાધા પૌડવાલની ભજન-સંધ્યા સાથે બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આ બે દિવસ દરમિયાન શ્રદ્ઘાળુઓ પ્રથમ જયોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવની આરતી પણ કરશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળશે. તેમણે જણાવ્યું કે કેલાસ-માનસરોવરની યાત્રા કરી ચૂકેલા યાત્રાળુઓ સમગ્ર દેશભરમાંથી ૧૨૦૦થી વધુની સંખ્યામાં પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ ખાતે આવે છે ત્યારે એક અનોખો 'કેલાસ કુંભ' મહાદેવનાં સાંનિધ્યમાં મળવા જઈ રહ્યો છે. જેને લઇને સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(11:56 am IST)