સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

વિરપુરમાં પૂ.મોરારીબાપુના મુખેથી રામ ભકિતની ગંગા વહેશે

ફરીને અવસર એ આવ્યો, રામનું નામ ફરી ફરીને ગુંજશે, ફરી એ જ અમૃતવાણી પામશે, ધન્ય ધરા આ જલીયાણની... : અન્નક્ષેત્રની શતાબ્દિ મહોત્સવ અંતર્ગત રામકથાનું ૧૮મીને શનિવારથી ચાંદ્રાણી પરિવાર દ્વારા આયોજન : માતુશ્રી વીરબાઈમા અને પૂ.જલારામબાપાના સેવાધર્મની ૨૦૦ વર્ષથી સતત પ્રજ્વલિત જ્યોતની ઉજવણીના ભાગરૂપે વીરપુરમાં ભજન અને ભોજનનો ધાર્મિક કાર્યક્રમ : દેશ- વિદેશમાંથી ભાવિકો કથામૃતનો લાભ લેશે

રાજકોટ, તા. ૮ : પૂ.જલારામબાપાના ધામ એવા વીરપુર ગામે પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં શ્રી રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયુ છે. અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ધાર્મિક આયોજન થયુ છે.

માતૃશ્રી વીરબાઈમા અને પૂ.જલારામબાપાના સેવાધર્મની ૨૦૦ વર્ષથી સતત પ્રજવલિત જયોતની ઉજવણીના ભાગરૂપે ભજન અને ભોજનના પ્રયાગ, વીરપુર મુકામે પૂ.મોરારીબાપુના શ્રી મુખેથી રામકથાનું આયોજન તા.૧૮ જાન્યુઆરીથી તા.૨૬ જાન્યુઆરી સુધી કરવામાં આવ્યુ છે.

શ્રી રઘુરામભાઈ જે. ચાંદ્રાણી પરિવાર  આયોજીત આ રામકથામાં પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. ધર્મપ્રેમી ભાઈ - બહેનોને પૂ.બાપુની વાણીનો લાભ મળશે.

જલિયાણ ધામ વીરપુર મુકામે ભજન અને ભોજનના પ્રયાગસમા અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૧૮ જાન્યુઆરીના શનિવારના શુભદિને સાંજે ૪ વાગ્યાથી રામકથાનો શુભારંભ થશે.

તા.૧૯ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન સવારે ૯:૩૦ વાગ્યાથી વીરપુર મુકામે ગોંડલ રોડ ઉપર આવેલ ચિત્રકૂટ જલિયાણધામ ખાતે પૂ.મોરારીબાપુ જ્ઞાનગંગા વહાવશે. આમ ભાવિકોને પૂ.જલારામબાપાના ધામમાં પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં સંગીતમય કથામૃતનો લાભ મળશે.

આ સંગીતમય કથામૃતનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી તેમજ દેશ-વિદેશમાંથી ભાવિકો પધારવાના છે.

(11:54 am IST)