સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ઉપલેટામાં ખનીજ ચોરી સાત વાહનો પકડાયા

ઉપલેટાતા.૮: ભાદર, મોજ અને વેણુ એમ ત્રણ નદીઓના કાંઠાના વિસ્તાર જેવા કે ધોરાજી થી લઈને કુતિયાણા સુધી ૩૫ થી ૪૦ કિલોમીટરના નદીકાંઠા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરી રહ્યા છે. જેને પગલે સ્થાનિક લોકોમાં ફરિયાદો અને રોષ જોવા મળે છે. ખનીજ માફિયાઓ કોઈપણ તંત્ર કે કાયદાના ડર વગર બેફામ દિવસ રાત ખનીજ ચોરી કરી રહ્યા છે. જયારે રાત પડે છે ત્યારે આ ગેરકાયદેસર ખનન ચલાવતા ભૂમાફિયાઓ જાગે છે અને પુષ્કળ પ્રમાણમાં લાખો રૂપિયાની ચોરીઓ કરે છે. આ અંગે જાણે તંત્ર તો સાવ અંધારામાં જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. આવા બેફામ ખનીજ માફિયાઓ જે ખનન કરી રહ્યા છે તેમના વિરુદ્ઘ ઉપલેટા શહેરમાં આવેલ નવા મામલતદાર લાલ આંખ કરી છે.

મામલતદાર પોતાના રેવન્યુ ફીલ્ડ વર્ક કામગીરી અર્થે નીકળ્યા હતા ત્યારે ગણોદ ગામના પાટીયા પાસે GJ/10/V/8915 નંબરનો એક રેતીનો ટ્રક મળેલો. જેમની તપાસ કરતાં જાણવા મળ્યું કે ગાડીમાં તેમની રોયલ્ટીની કેપેસીટીથી સાત ટન કરતા પણ વધારે જેટલો માલ ઓવરલોડ ભરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર અને ઓવરલોડ માલના પગલે મામલતદાર દ્વારા ગાડીને તુરંત સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. સીઝ કરેલી ગાડી સહીત કુલ રૂ.૭,૫૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત  મામલતદાર જી.એમ. મહાવદીયાએ જણાવેલ હતુ કે આવા ગેરકાયદેસર રીતે ખનન કરતા ખનીજ માફિયાઓ પકડાશે તો તેમના વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલતદારે અત્યાર સુધીમાં એક પથ્થરની ગાડી, બે કપચીની ગાડી અને પાંચ રેતીની ગાડીઓ એમ કુલ સાત ગાડીઓ સીઝ કર્યા છે. જેમાંનો અત્યાર સુધીનો કુલ રૂ. ૭૬,૩૪,૯૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

(11:54 am IST)