સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ઝેરી કોબ્રાની સર્પનગરી ધરાવતું મેવાસા ગામ એક જ સપ્તાહમાં ૫૦ કોબ્રા ગામથી દુર કરાયાઃ ચાર વર્ષમાં સર્પદંશથી અનેક પશુઓ સાથે છ માનવીય મોત

અંધશ્રધ્ધા દુર કરવા આરોગ્ય ટીમ સાથે કલેકટર દોડી ગયાઃ રાત્રીનાં લોકો સાથે ડાયરા રૂપી બેઠક કરી શપથ સાથે જનજાગૃતિનો પ્રયાસ

ચોટીલા, તા.૮: ચોટીલા તાલુકામાં સર્પ નગરી થી ઓળખાતા મેવાસા ગામની અંદર શુક્રવારનાં રાત્રીનાં લોકોમાં શર્પ દંશ ને લઈને પ્રવર્તેલ અંધશ્રધ્ધા દુર કરવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સહિતનો કાફલો દોડી આવી જન જાગૃતિ લાવવા પ્રયાસ કરેલ. આંતરીયાળ મેવાસા ગામ છે ગામની અંદર વર્ષો થી સાપ નું પ્રમાણ કોઇ પણ કારણોસર વિશેષ છે આ ગામમાં લોકો બિમારીથી મરણ નહી પણ સાપ કરડવાથી મૃત્યુનું પ્રમાણનો વિશેષ ઇતિહાસ ધરાવે છે. અને લોકોની અંધશ્રધ્ધા ભરી એક માન્યતા ને કારણે સર્પ ડંસ પામનાર ને તાત્કાલિક તબીબી સારવાર નહી મળતા મરણ પામ્યાનું કારણ વધુ જવાબદાર હોવાનું જણાય રહેલ છે.

ઠંડીના દિવસો પહેલા મેવાસા ગામની અંદર એકજ સપ્તાહમાં સર્પમિત્ર જયભાઇ જમોડે ૫૦ જેટલા સર્પ પકડી ગામ થી દુર જંગલમાં મુકવાનું કાર્ય કરેલ જેમાથી એક બે બિનઝેરી સિવાય તમામ કોબ્રા પ્રજાતીનાં સાપ હતા અને તે પણ માદા ની સંખ્યા વધુ છે.

સમયાતરે આ ગામની અંદર સર્પોની સંખ્યા વધી જતા અનેક લોકો તેના દંશનો ભોગ બનેલ છે દર વર્ષે બે ત્રણ લોકો આજ કારણે મોતને ભેટે છે આજદિન સુધી અહીયા આટલા મોટા પ્રમાણમાં સર્પો કેમ નિકળે છે તે અંગે કે લોકોનાં મોત અંગે કોઇ સરકારી વિભાગે તસ્દી સુધ્ધાં નથી લીધી પરંતુ તાજેતરમાંજ એક બાળકીના મોત અને ગામની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ ને જાણવા મળતા એક ઝૂંબેશ રૂપી લોક જાગૃતિ માટે પોતે જાતે આગેવાનો અને ગામલોકો વચ્ચે દોડી આવેલ હતા

સમગ્ર ગામનાં નાગરીકો, ગામનાં ભુવાઓ, તેમજ સ્થાનિક તાલુકાનાં અધિકારીઓ તેમજ વિવિધ સરકારી તંત્ર સાથે અગ્રણી અને જીલ્લા પંચાયત સદસ્ય મેરૂભાઇ ખાચર, સરપંચ સગરામભાઇ રાઠોડ, ભૂપતભાઇ ધાધલ, સુરેશ ધરજીયા ની હાજરીમાં રાત્રીનાં ડાયરા રૂપી બેઠક કરી કલેકટરે ખુબ સહજતાથી લોકો વચ્ચે સામાન્યજન બનીને ગામને અંધશ્રધ્ધા મુકત કરવા માટે તેમનાં વિચારો રજુ કરી લોકોને સર્પ કરડવાનાં બનાવ બને તો ભોગ બનનાર ને પહેલા નજીકનાં દવાખાને લઇ જવાનાં શપથ લેવરાવી ને ભગીરથ પ્રયાસ કરેલ છે.

સ્થાનિકોનાં આગ્રહ ને માન આપી કલેકટરે કસુંબીના રંગ લોકગીત ગાતા લોકો એ ઝીલીને તેમની ઝૂંબેશ ને સાર્થક કરવાનો કોલ આપેલ હતો.

વર્ષોની માન્યતા વાસંગી દાદા હોવાની બદલવી પડશે!

કહેવાય છે એક યુગ હશે જયારે સાચો સાપ અહિયા વિહરતો હશે હિન્દુ સંસ્કૃતિ મુજબ તે દેવ સ્વરૂપ છે આવો સાપ ગામમાં કોઇને હેરાન નહી કરતો હોય ગામમાં વાસંગીદાદા નું નાનું મંદિર પણ છે તેની લોકો પુજા કરે છે લોકો ને સાપ કરડે તો દવાખાને નહી પણ આવીજ ડેરીએ લઈ જવાતા હોય છે ભુવાઓ દ્વારા વિધી કરાય ત્યાં સુધીમાં ઝેર તેનું કામ કરી ચુકયુ હોય છે. સર્પ મિત્રનાં જણાવ્યા મુજબ શ્રદ્ઘાં અલગ વિષય છે. પણ કોબ્રા ખુબ ઝેરી સાપ હોય છે. અહીયા મોટી સંખ્યા છે. તે ફેણ અને ફુફાડા મારે છે. લોકો સર્પ અંગે વૈજ્ઞાનિક અને વાઇલ્ડ લાઇફ તારણો થી અજાણ છે જેઓ બધા સાપ ને વાસંગી દાદા તરીકે માને છે તે માન્યતા બદલવી પડશે.

સ્થાનિક લોકોનાં કહેવા મુજબ સરકાર દ્વારા મેવાસા ગામમાં કોબ્રા જેવા ઝેરી સર્પો નું આટલી મોટી સંખ્યા કેમ છે. તેના માટે રીસર્ચ કરાવવુ જોઇએ તેમજ લોકોનાં જાન માલ ને નુકશાન પહોચતુ અટકાવવા માટે ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ અહિયા સર્પવિંદો ને મુલાકાતો ગોઠવવી જોઈએ અને સર્પોની વસાહત છે કે ભૌગોલિકતા ને કારણે,? જેવા મુદ્દે સંશોધનો થવા જોઇએ.

સ્થાનિકો પાસે થી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સર્પ દશ થી અનેક પશુઓ દરવર્ષે મોતને ભેટે છે જેમા છેલ્લા ચાર વર્ષમાં છ માનવીય મોત થયેલ છે જેમાં ૨૦૧૫માં માલાભાઇ કરમણભાઇ ખાંભલા, ગીતાબેન નાજાભાઇ ખોરાણી, ૨૦૧૭માં મયુર વિકસીંગભાઇ રાઠોડ, ૨૦૧૮માં કિંજલબેન લખમણભાઇ બથવાર, શારદાબેન રાજાભાઇ સરકળીયા, ૨૦૧૯માં અલ્કાબેન મુકેશભાઇ વામાણી મળી એક બાળકી, એક કિશોર અને ચાર મહિલાઓ મોતને ભેટેલ છે જેઓના મરણ પાછળ મહદઅંશે અંધશ્રધ્ધાનો પણ હાથ રહેલ હોવાનું મનાય છે.

(11:47 am IST)