સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

૪૨ વર્ષ બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભાણવડ ખાતે યોજાયો અભૂતપૂર્વ ગુરૂવંદના- સ્નેહમિલન

રાજકોટઃ ભાણવડમાં ૪૦ - ૪૨ વર્ષ પહેલા શ્રી અનંત કુમાર બાલમંદિર અને શ્રી વી એમ ઘેલાણી હાઈસ્કૂલમાં સાથે ભણીને વર્ષોથી છૂટા પડેલા અને હાલ વિવિધ શહેરોમાં સ્થાયી થયેલા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના ગુરૂજનોનું અભૂતપૂર્વ, અવિસ્મરણીય, સ્નેહમિલન યોજાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

વર્ષો થી વિખુટા પડેલા ભૂતપૂર્વ સહાધ્યાયીઓમાં ડો. શૈલેષ બારમેડા, ડો.હિરેન નાણાવટી, અતુલ સૂચક, હિતેશ ઘેલાણી, જયેશ હિન્ડોચા, દિલીપ ભગાણી, ગિરધર વાઘેલા, આશા મહેતા, માલતી ઓડેદરા, જયોતિ મઘુડિયા, પલ્લવી કોટેચા વગેરે સહિત ૩૦ જેટલા જૂના મિત્રો પરિવાર સાથે ભાણવડમાં એકઠા થયા.

ગુરૂજનો શ્રી બાલક દાસ દુધરેજીયા,   છોટુભાઈ માસ્તર, સવજીભાઈ, વજુભાઈ તન્ના, ચંદુભાઈ મેહતા, ઇન્દિરાબેન તથા  પ્રભાબેનનું સન્માન કરવામાં આવેલ. આ તકે તપોવન સંકુલના ભીમશીભાઇ કરમુર તથા હાલ વી. એમ. ઘેલાણી હાઇસ્કૂલના આચાર્ય શ્રી કમલેશભાઈ પાથર હાજર રહ્યા હતા. જુના સંસ્મરણો તાજા થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બાળપણને યાદ કરીને બધા મિત્રોએ ખૂબ મજાક-મસ્તી કરી તથા રાત્રે સૌ સાથે મળી ગરબાનો આનંદ લીધો હતો.

બીજા દિવસે સૌ મિત્રો ઘુમલી, તપોવન સંકુલ અને ગાયત્રી મંદિર ની ટુંકી મુલાકાત બાદ સંપૂર્ણ કાયાપલટ પામેલી શ્રી વી. એમ. ઘેલાણી હાઈસ્કૂલ તથા યથાસ્થિતિમાં રહેલ શ્રી અનંત કુમાર બાલમંદિરની વિશેષ મુલાકાત લીધી હતી. બધા જૂના શિક્ષકો અને સહાધ્યાયી મિત્રો ને યાદ કરી ને આ વિદ્યામંદિરોમાં અમૂલ્ય સમય વિતાવી જૂની યાદો તાજી કરી ગદગદિત થયેલા..

આવા અવિસ્મરણીય કાર્યક્રમથી ખૂબ જ આનંદિત થયેલા ગુરુજનો નું કહેવું હતું કે આ પ્રકારનું ગુરૂ શિષ્યોનું આટલા વર્ષે સ્નેહમિલન થાય તેવું આયોજન ભાણવડના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ જ હશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(11:44 am IST)