સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

સાયલાના વણકી ગામમાં વાલજીને પિતા-પિત્રાઇ ભાઇઓએ ધોકાથી ફટકારી પગ ભાંગી નાંખ્યો

બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી લીધી હોઇ રિસામણે ગયેલી પહેલી પત્નિને પાછી લઇ આવવાનું કહી ખેલ કરતાં ધોકાવાયોઃ પિતાએ જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો

રાજકોટ તા. ૮: સાયલાના વણકી ગામે રહેતાં અને છુટક કડીયા કામની મજૂરી કરતાં વાલજી અરજણભાઇ સેતાળીયા (કોળી) (ઉ.વ.૩૫)ને સાંજે તેના જ પિતા અરજણભાઇ લક્ષમણભાઇ, કાકાના દિકરા રૈયા રામાભાઇ અને દલસુખ ભીખાભાઇએ મળી ધોકા-પાઇપ-ઉંધા ધારીયાથી માર મારતાં પગ ભાંગી જતાં પિતા અરજણભાઇએ જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે સાયલા પોલીસને જાણ કરી હતી. વાલજીના કહેવા મુજબ તેની પત્નિ વસંત વિંજુડા ગામે રિસામણે જતી રહી છે તેને પાછી તેડી આવવા બાબતે તે બા શેલુબેનને કહેતાં તે બાબતે ઝઘડો થતાં પિતા-ભાઇઓએ હુમલો કર્યો હતો. જો કે વાલજીના પિતા અરજણભાઇએ કહ્યું હતું કે વાલજીએ બીજી બાઇને ઘરમાં બેસાડી હોઇ જેથી તેની પત્નિ રિસામણે જતી રહી છે. હવે તેણીને પણ પાછી લાવવાનું કહી ઘરમાં ડખ્ખો કરતો હોઇ માથાકુટ થઇ હતી. જો કે આ મામલે ફરિયાદ નોંધાવાઇ નથી.

(11:39 am IST)